ગુજરાત
News of Monday, 10th May 2021

સેટેલાઇટમાં દારુની હેરાફેરી કરતો બુટલેગર ઝડપાઈ ગયો

હેરાફેરીની રીત જોઇને પોલીસ માથું ખંજવાળવા લાગી : યુવકે દારૂ છુપાડવા માટે રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને ત્યાંથી તે બાઇક ઉપર દારૂની હેરાફેરી કરતો હતો

અમદાવાદ,તા.૧૦ : ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ દારૂનો ધંધો કરતા લોકો કોઈપણ આઈડિયા વાપરી ગુજરાતમાં દારૂને ઘુસાડી દારૂનું વેચાણ કરતા હોય છે. ક્યારેક ભંગારની આડમાં તો ક્યારેક બટાકાની આડમાં અનેક રીતે દારૂ લઈને ઘુસાડી અને તેનું વેચાણ કરે છે. જોકે દારૂ ગુજરાતમાં આવ્યા બાદ પણ બુટલેગર દ્વારા અલગ અલગ રીતે દારૂ વેચવામાં આવતો હોય છે.

ત્યારે વધુ એક બુટલેગરનો એક આઈડિયા સામે આવ્યો છે. જેમાં દારૂની હેરાફેરી માટે તેને એક નવો આઈડિયા સામે લાવ્યો છે. એક યુવકે દારૂ છુપાડવા માટે રિક્ષામાં ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને ત્યાંથી તે બાઇક પર દારૂની હેરાફેરી કરતો હતો. મળતી માહિતી પ્રમાણે પીસીબીને માહિતી મળી હતી કે, એક યુવક સેટેલાઈટ વિસ્તારમાંથી દારૂની હેરાફેરી કરે છે.

જેથી તે માહિતીના આધારે તેમણે કાર્યવાહી શરૂ કરી હતી. ઘટના એવી સામે આવી કે, આરોપી અંકિત પરમાર બોપલ વિસ્તારમાં રહે છે અને દારૂનો વેપાર કરે છે. આરોપીની મોડસઓપરેન્ડી સામે આવી કે તે, એક રીક્ષામાં ગુપ્ત ખાનું બનાવીને તેમાં દારૂને સંતાળી ને રાખતો હતો. જોકે તે રીક્ષામાં દારૂની હેરાફેરી કરતો ન હતો.

આરોપી રિક્ષામાં દારૂને રાખી મુકતો હતો અને એ પણ રીક્ષા સેટેલાઈટ વિસ્તારમાં બિનવારસી મૂકી રાખતો હતો અને જે ગ્રાહક દારૂ મંગાવે તો રીક્ષામાંથી દારૂ કાઢીને બાઈક પર દારૂ આપી આવતો હતો. જેથી કોઈને શંકા ના જાય. આરોપી સામે પ્રોહી એક્ટ ૬૫(ઈ),૧૧૬(૧)(બી),૯૮(૨) મુજબ ગુનો દાખલ કરેલ છે. આરોપી સાથે અન્ય કોઈ સામેલ છે કે કેમ, તેની પણ તપાસ શરૂ કરવામાં આવી રહી છે.

(9:54 pm IST)