ગુજરાત
News of Thursday, 10th September 2020

RTE હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ પૂરતા પોષણ અંગે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને રજૂઆત

RTE હેઠળ પ્રવેશ મેળવનારાને પણ મધ્યાહન યોજનાનો લાભ મળે નહીં:સંયુક્ત કમિશનરનો જવાબ

અમદાવાદ: નેશનલ ફૂડ સિકયુરિટી એક્ટ 2013 અને મધ્યાહન ભોજન યોજના નિયમો 2015 મુજબ રાજ્યની બિન અનુદાનિત પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનાનો લાભ આપવાનો થતો નથી. એટલે આવી રાજ્યની ખાનગી (નોન ગ્રાન્ટેડ) પ્રાથમિક શાળાઓમાં રાઇટ ટુ એજ્યુકેશન ( RTE ) હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન યોજનાનો લાભ આપી શકાય નહીં તેવું મધ્યાહન ભોજન યોજનાના સંયુક્ત કમિશ્નરે જવાબ આપ્યો છે. તેના પર પર્યાવરણ મિત્ર મહેશ પંડ્યાએ રાજ્યના મુખ્યમંત્રી તથા શિક્ષણ મંત્રીને વિદ્યાર્થીઓને પુરતું પોષણ મળે તે માટે રજૂઆત કરી છે.

RTE હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પુરતુ પોષણ મળે તે અંગે પર્યાવરણ મિત્ર મહેશ પંડયાએ રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી સહિત રાજયના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને રજૂઆત કરી છે.

તેમણે કહ્યું છે કે,યોજના ગરીબ કુંટુંબોના લાભ માટે હોય તો RTEનો કાયદો પણ ગરીબ કુંટુંબના બાળકોના અભ્યાસ માટે જ છે. ખાનગી સ્કૂલમાં સરકારની સહાયથી પ્રવેશ મેળવવાથી આ કુટુંબોના બાળકો ધનવાન બની જતા નથી. અને સરકારની એક યોજનાનો લાભ લેવા જતાં બીજી યોજનાનો લાભ ગુમાવવો પડે છે

તેમણે વધુમાં જણાવ્યું છે કે, રાજયની યોજના મિડ ડે મીલ હેઠળ પૂર્વ પ્રાથમિક અને ઉચ્ચત્તર પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પુરતું પોષણ મળે તેવા ઉમદા હેતુથી અમલી છે.

જે ગરીબ કુંટુંબમાંથી આવતા બાળકો માટે ખૂબ જ મદદરૂપ બની રહી છે.પરંતુ સરકારના રાઇટ ટુ એજ્યુકેશન કાયદા હેઠળ ખાનગી સ્કૂલોમાં ગરીબ કુંટુંબના બાળકોને પ્રવેશ આપવામાં આવે છે.તેમની પ્રવેશ ફીથી માંડીને શૈક્ષણિક ફી વગેરે સરકાર તરફથી ચૂકવવામાં આવે છે.કારણ કે તેઓ ગરીબ કુંટુંબમાંથી આવતા હોવાથી આર્થિક રીતે સક્ષમ નથી.પરંતુ આવા બાળકોને ખાનગી સ્કૂલોમાં રાજયની યોજના મીડ ડે મીલ નો લાભ આપવામાં આવતો નથી.જેથી આ બાળકો સરકારની યોજનાના લાભથી વંચિત રહે છે.

પરિણામે આરટીઇ કાયદા હેઠળ પ્રવેશ મેળવેલા ગરીબ કુંટુંબના બાળકોને પોષણ યુક્ત આહાર મેળવી શકતા નથી.ઉપરાંત રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવેલ પ્રવેશ મેળવેલા બાળકો અન્ય બાળકોની જેમ નાસ્તાની સુવિધા ઉપલબ્ધ ના થવાથી બાળકોમાં માનસિક અસંતુલિતતા અને લઘુતાગ્રંથિથી પીડાશે

(9:23 pm IST)