ગુજરાત
News of Thursday, 10th September 2020

અમદાવાદમાં મરણ પામતાં જાનવરોને તાત્કાલિક ધોરણે ઉપાડવા સૂચના :ઝોન દીઠ સાત વાહનો ફાળવી વ્યવસ્થા

લીલા ઝાડપાનના કચરાંને ઉપાડવા માટે ગાર્ડન વિભાગને તાકીદ :કાદવ કિચડ દૂર કરવાની કામગીરીના રિવ્યુ માટે મેયરની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સિંગ મિટિંગ યોજાઈ

અમદાવાદ: શહેરમાં વકરેલી કોરોના મહામારીને અટકાવવા  કોર્પોરેશન અથાગ પ્રયાસો કરી રહી છે.ચોમાસાની સિઝનમાં શહેરમાં થયેલા ભારે વરસાદ બાદ જુદી જુદી જગ્યાએ એકત્ર થયેલા ઘન કચરા અને રસ્તાઓ પર આવેલી માટી તેમ જ કાદવ કિચડ દૂર કરવાની કામગીરીના રિવ્યુ માટે મેયરની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સિંગ મિટિંગ રાખવામાં આવી હતી.

આ મિટિંગમાં મેયરે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના અધિકારીઓને વરસાદની સિઝનમાં શહેરમાં મોટી સંખ્યામાં મરણ પામતાં જાનવરોને તાત્કાલિક ધોરણે ઉપાડવા માટે ઝોન દીઠ સાત વાહનો ફાળવી વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી.તેમ જ શહેરમાંથી લીલા ઝાડ પાનના કચરાંને ઉપાડવા માટે ગાર્ડન વિભાગ દ્રારા અલાયદા વાહનો ફાળવી વ્યવસ્થા માટે તાકીદ કરી હતી

બુધવારની આ મિટિંગના પ્રારંભમાં મેયરે કાદવ-કિચડ સહિત કચરો ઉપાડવા બાબતે કરેલા પ્રશ્નના જવાબમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ કરેલી કામગીરી વર્ણવતાં જણાવ્યું હતું કે, દૈનિક 200થી 300 ટન માટી અને કાદવ-કિચડ હાલમાં ઉપાડવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત આગામી સમયમાં બપોર બાદ સફાઇ કામદારોથી ટોળાકામ કરી મુખ્ય રસ્તા પર માટીકામ કરીને રસ્તાઓની છુટી પડેલી કપચી, માટી તથા જરૂર પડયે ટ્રેકટર, પાવડી જેવી મશીનરી મેળવી કાદવ-કિચડ દૂર કરવાની કામગીરીનું આયોજન કરવામાં આવશે.

તેમ જ શહેરમાં જુદા જુદા સ્પોટો પરથી કચરો ઉપાડવા માટે 158 પીળા રંગના સ્પોટ કલેકશન માટેના વાહનો તેમ જ 187 રેફ્યુઝ કોમ્પેકટર વાહનોથી સિલ્વર ટ્રોલી સહિત નાના મોટા સ્પોટના કલેકશનની કામગીરી કરવામાં આવી રહી છે.

આ દરમિયાનમાં મેયરે જાનવરો તથા ઝાડ પાન હટાવી લેવાની સૂચના આપી હતી.

(10:53 pm IST)