ગુજરાત
News of Thursday, 10th September 2020

અમદાવાદ : હાઈકોર્ટના 12 કર્મચારીને કોરોના પોઝિટિવ : તમામ કાર્યવાહી 16મી સુધી મોકૂફ

હાઈકોર્ટની કામગીરી સેનિટાઈઝેશન પછી 16 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે

અમદાવાદ : આગામી 14 સપ્ટેમ્બરથી કોર્ટની કામગીરીનો પ્રારંભ કરવાની વાતને ધ્યાનમાં રાખી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોર્ટ પરીસરમાં કોરોના ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટમાં 9 સપ્ટેમ્બરના રોજ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 12 કર્મચારીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યાર બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન અનુસાર કોર્ટમાં સેનિટાઈઝેશન સહિતની કામગીરી કરવામાં આવી હતી.

હાઈકોર્ટની જ્યુડિશિયલ એકેડેમી, ઓડિટોરિયમ, કાયદા ભવન, કોર્ટ રુમ, રેકોર્ડ રુમ, બેંક, પોસ્ટ ઓફિસ અને અન્ય તમામ જગ્યાઓને 12 સપ્ટેમ્બર 2020 થી સેનિટાઈઝ કરવામાં આવશે. જેના માટે 3 થી 4 દિવસનો સમય જરૂરી હોવાથી સ્થાયી સમિતિ સાથે વિચાર-વિમર્શ કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે હાઇકોર્ટ 15 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. અદાલતી કામગીરી વર્ચુઅલ રીતે પણ સ્થગિત રહેશે. હાઈકોર્ટની કામગીરી સેનિટાઈઝેશન પછી 16 સપ્ટેમ્બરથી ફરી શરૂ થશે

(10:35 am IST)