ગુજરાત
News of Thursday, 10th September 2020

વડોદરા-હાલોલ હાઇવે નજીક સરકારી ઘઉંનો જથ્થો સગેવગે કરવાના આરોપસર આંકલાવના વેપારી વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા:વડોદરા-હાલોલ હાઇવે પર કોટંબી ગામની સીમમાં આવેલી પારસ ફ્લોર મિલમાં એક મહિના પહેલા ઝડપી પાડેલી ઘઉંની ૧૦૬૭ ગુણો પૈકી ૫૬૪ ગુણો સરકારી ઘઉં હોવાનું બહાર આવ્યું છે. સરકારી તંત્રના અભિપ્રાય બાદ પોલીસે ક્વાંટ, વડોદરા અને આંકલાવના વેપારી સામે ઠગાઇનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે તા.૩૧ જુલાઇની સાંજે જિલ્લા એલસીબીએ પારસ ફ્લોર મિલમાં દરોડો પાડી ઘઉંનો જથ્થો ઉતારવા માટે આવેલા વાહનો અને ઘઉનો જથ્થો મળી કુલ રૃા.૪૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પારસ ફ્લોર મિલના સંચાલક સહિત વ્યક્તિની અટકાયત બાદ તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે ઘઉનો જથ્થો સરકારી છે કે નહી તે અંગે અભિપ્રાય માંગ્યો હતો.

વાઘોડિયાના મામલતદાર દ્વારા અપાયેલા અભિપ્રાયમાં જણાવ્યું હતું કે એક ટ્રક અને બે ટેમ્પામાંથી મળેલી ગુણો પૈકી ૫૬૪ ગુણો સરકારી ઘઉંનો જથ્થો હોય તેમ જણાય છે. પોલીસે વાહનોના ચાલકો પાસેથી કબજે કરેલા બિલો તેમજ અન્ય કાગળોના આધારે સ્થળ પર જઇને તપાસ કરતા બિલો બોગસ બનાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. વાઘોડિયાના મામલતદારના અભિપ્રાય તેમજ સ્થળ પર તપાસ દરમિયાન એવી વિગત બહાર આવી હતી કે સરકારી ઘઉંનો જથ્થો વેપારીઓ સસ્તામાં મેળવી તેના કાળાબજાર કરતા  હતાં.

(5:24 pm IST)