ગુજરાત
News of Thursday, 10th September 2020

સુરતના જાણીતા ગરબા નહીં યોજવા આયોજકો મક્કમ

સરકાર નવરાત્રિ પર છૂટછાટ આપવાના મૂડમાં : રાજ્યમાં ગરબાને મંજૂરી આપવા માટેની મથામણ ચાલી રહી છે ત્યારે સુરતમાં આયોજકોએ મહત્વનો નિર્ણય લીધો

સુરત, તા. ૧૦ : ૧૭ ઓક્ટોબરથી નવરાત્રિ ચાલુ થઈ રહી છે, પરંતુ ગુજરાત સરકારે જાહેર ગરબાના કાર્યક્રમોને મંજૂરી આપવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય નથી લીધો. એક તરફ રાજ્યભરના ગરબાના આયોજકો ગરબાની મંજૂરી મેળવવા ગાંધીનગર આંટા મારી રહ્યા છે, ત્યારે સુરતના ગરબા આયોજકોએ આ વખતે ગરબાનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે. ટીવી રિપોર્ટ્સ અનુસાર, સુરતના ઈનડોર સ્ટેડિયમ સહિતના જે જાણીતા સ્થળો પર ગરબા થાય છે, તે આ વર્ષે નહીં થાય. ઉલ્લેખનીય છે કે સુરતમાં હાલ રોજેરોજ કોરોનાના આખા ગુજરાતમાં સૌથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના ગરબાના આયોજકોએ સ્વેચ્છાએ જ નવરાત્રિનું આયોજન ના કરવાનું નક્કી કર્યું છે.

         સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, અને બીજી તરફ આયોજકોનું કહેવું છે કે ગરબાની તૈયારી કરવાને હવે ખાસ સમય નથી રહ્યો. જો સરકાર ગરબાની મંજૂરી આપી દે તો પણ હજારો લોકોને ગરબા વેન્યૂ પર ભેગા થવા દેવાય તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. આયોજકોનો એવો પણ દાવો છે કે લોકો પણ કોરોનાથી ડરી રહ્યા છે, અને કોઈ ગરબામાં આવવા માટે તૈયાર નથી. વળી, સ્પોન્સર્સ પણ હવે શોધવા મુશ્કેલ છે. સામાન્ય રીતે નવરાત્રિની તૈયારી ચારેક મહિના પહેલા જ શરૂ થઈ જતી હોય છે, પરંતુ હવે સરકારની પરમિશન મળે તો પણ ગરબાનું આયોજન શક્ય નથી.

સુરતના ઈનડોર સ્ટેડિયમ ઉપરાંત પાર્ટીપ્લોટ્સમાં થતા ગરબામાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે. તેવામાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું ખૂબ જ મુશ્કેલ છે. વળી, આટલી મોટી સંખ્યામાં લોકોને ગરબાના સ્થળ પર પ્રવેશ આપતા પહેલા તેમના થર્મલ સ્ક્રિનિંગ કરવા, આરોગ્ય સેતુ એપ પર તેમનું સ્ટેટસ ચેક કરવા જેવા કામો પણ પડકારજનક બની રહે તેમ છે. તેવામાં શહેરના ગરબાના આયોજકોએ આ વખતે ગરબાના કાર્યક્રમનું આયોજન જ ના કરવા માટે નિર્ણય લીધો છે. આ ઉપરાંત, સુરતીઓ પણ કોરોનાને લઈને ખાસ્સા સચેત થઈ ગયા છે. શહેરમાં રોજના સેંકડો નવા કેસો સામે આવી રહ્યા છે ત્યારે જો ગરબાનું આયોજન ગમે તેમ કરીને કરી પણ લેવાય અને તેમાં ધાર્યા પ્રમાણે ભીડ ના આવે તો આયોજનનો ખર્ચો માથે પડે તેવી પણ શક્યતા આયોજકોને દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ગરબાના સ્થળોએ રમવાવાળા કરતા જોનારાની ભીડ વધારે થતી હોય છે. વળી, ગરબાના કાર્યક્રમ માટે સ્પોન્સર્સ લાવવા ઉપરાંત બીજી તૈયારીઓ મહિનાઓ પહેલા શરૂ થઈ જતી હોય છે. જો કે આ વખતે મંજૂરી મળશે કે કેમ તેની કોઈ સ્પષ્ટતા ના હોવાથી આયોજકો આવી કોઈ આગોતરી તૈયારી પણ નથી કરી શક્યા.

(9:20 pm IST)