ગુજરાત
News of Thursday, 10th September 2020

પતિ-પત્નીના મનદુઃખથી ગાઢ મિત્રતાનો અંત :ઘર છોડી ગયેલી પત્ની પિયરમાંથી મિત્રના ઘરે આવતા બે મિત્રો વચ્ચે તકરાર : ધમકી આપતા એક મિત્રે ફિનાઈલ પીધું

મેઘાણીનગર પોલીસે ભોગ બનનારને ધમકી આપનાર શખ્સ અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

અમદાવાદ: મેઘાણીનગરના રામેશ્વર વિસ્તારમાં રહેતાં બે મિત્રો વચ્ચેની 12 વર્ષ જૂની ગાઢ મિત્રતાનો પત્નીના મુદ્દે કરૂણ અંત આવ્યો અને મામલો પોલીસ કેસ સુધી પહોંચી ગયો હતો. ઘર છોડી ગયેલી પત્ની પિયરમાંથી પતિના મિત્રના ઘરે આવતી હતી. જે મુદ્દે ઉશ્કેરાયેલા પતિએ ગાઢ મિત્રને ધમકી આપતા બન્ને વચ્ચે તકરાર થઈ હતી. ધમકીથી ડરેલા મિત્રએ ફિનાઇલ પી લેતાં હોસ્પિટલ ખસડ્યો હતો. બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ભોગ બનનારને ધમકી આપનાર શખ્સ અને તેના પિતા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

મેઘાણીનગરના રામેશ્વર ખાતે પાવન એપાર્ટમેન્ટમાં રહેતાં જીગ્નેશ રાજેન્દ્રકુમાર પટેલ (ઉં,29)ટાયર ટ્યુબનો વેપાર કરે છે. આજ એપાર્ટમેન્ટમાં રહેતાં વિક્રમ જીવણ પટેલ સાથે જીગ્નેશને 12 વર્ષથી ગાઢ મિત્રતા થઈ હતી. બન્ને મિત્રોના લગ્ન બાદ બંનેની પત્નીઓ પણ એકબીજાની ગાઢ સહેલી બની ગઈ હતી. એકબીજાના ઘરે બન્ને યુગલની સતત અવરજવર રહેતી હતી. બન્ને પરીવાર એકબીજાના સુખદુઃખમાં પડખે રહેતાં હતા.

નવ મહિના અગાઉ વિક્રમને તેની પત્ની શીતલ સાથે મનદુઃખ થયું હતું. આથી શીતલ રિસાઈને તેના પિયર જતી રહી હતી. જોકે શીતલ જીગ્નેશની પત્ની પ્રિયંકાને મળવા તેના ઘરે આવતી જતી હતી. આ વાતથી નારાજ વિક્રમ તેના મિત્ર જીગ્નેશ પર ખોટા શક અને વહેમ કરતો હતો

 

પાવન એપાર્ટમેન્ટના કમ્પાઉન્ડમાં ગત સોમવારે સાંજે 6 વાગ્યે જીગ્નેશ ઉભો હતો. તે સમયે ત્યાં આવેલા વિક્રમ અને તેના પિતા જીવણલાલ બન્નેએ જીગ્નેશને કહ્યું કે,તું કેમ તારા ત્યાં શીતલને આવવા દે છે,તારે એની સાથે શું સબંધ છે. તેમ કહી બન્ને અપશબ્દો બોલવા લાગ્યા હતા. જીગ્નેશએ અપશબ્દો બોલવાની ના પાડતાં બન્નેએ ધમકી આપી કે,હવે શીતલ તારા ત્યાં આવશે તો તને જાનથી મારી નાંખીશું.

જીગ્નેશ બાદમાં ઘરે ગયો મનમાં લાગી આવતા ફિનાઇલની બોટલ ખિસ્સામાં મૂકી બહાર નીકળ્યો હતો. જીગ્નેશને વિક્રમ અને તેના પિતાએ આપેલી ધમકીના શબ્દો યાદ આવતા તેણે ફિનાઇલ પી લીધું હતું. ફિનાઇલની અસરથી તે બેહોશ થઈ પડ્યો હતો. ભાનમાં આવ્યો ત્યારે તે સિવિલ હોસ્પિટલમાં હતો અને બાદમાં તેણે ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો. મેઘાણીનગર પોલીસે જીગ્નેશની ફરિયાદ આધારે વિક્રમ અને તેના પિતા જીવણલાલ પટેલ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી

(12:14 am IST)