વડોદરામાં દંપતીને અકસ્માત નડતા પત્નીનું સારવાર દરમ્યાન મૃત્યુ
વડોદરા:તાલુકાના દેણા ગામે આવેલ લીમડી ફળિયામાં રહેતા જીતેન્દ્રભાઈ વસાવા અને તેમના પત્ની ઉર્મિલાબેન વસાવા ગઈ તારીખ 1 નવેમ્બરના રોજ સાંજના સમયે ભરૂચના મંગલેશ્વર ગામેથી ભાણેજની અંતિમવિધિ પતાવી પોતાની બાઇક પર પરત આવી રહ્યા હતા.
તે દરમિયાન નેશનલ હાઇવે નંબર 48 પર આવેલ વરણામા ગામની સીમમાં ગુરુકુલ સામે જીતેન્દ્રભાઈએ બાઇકના સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈક સ્લીપ થઈ ગયું હતું અને દંપતી ધડાકાભેર રસ્તા પર પટકાતા જીતેન્દ્ર ભાઈને છાતી તથા માથાના ભાગે મુઠ માર વાગ્યો હતો તેમજ ઉર્મિલાબેનને પગ ફેક્ચર થયું હતું.
અકસ્માત દરમિયાન પતિને સાધારણ ઇજાઓ થઇ હોવાનું માની તેઓ મોટરસાયકલ લઈ ઘરે જતા રહ્યા હતા ત્યાર બાદ ત્રીજી નવેમ્બરના રોજ જીતેન્દ્ર ભાઈને અચાનક ગભરામણ થતા સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
તબિયત વધુ લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતા જ્યાં સારવાર દરમિયાન જીતેન્દ્ર ભાઇ નું મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે વરણામા પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.