ગુજરાત
News of Monday, 11th January 2021

માધવસિંહ સોલંકીનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલિન

ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય : ગુજરાત રાજ્યના રાજકીય ઈતિહાસમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીની ભૂમિકા ખુબ ઉલ્લેખનીય રહી છે

અમદાવાદ, તા. ૧૦ : ગુજરાતના પૂર્વ સીએમ અને ભારતના ભુતપૂર્વ વિદેશ મંત્રી માધવસિંહ સોલંકી પંચમહાભૂતમાં વિલિન થયા છે. માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષે નિધન થયુ છે. સ્મશાનગૃહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન માટે આવ્યા છે. ગાર્ડ ઓફ ઓનર સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી વતી બાલાસાહેબ થોરાટ અને ટીએસ સિંઘ દેવે માધવસિંહને પુષ્પાંજલી આપી હતી.

માધવસિંહ સોલંકીનું કૉંગ્રેસના અગ્રણી રાજકારણીઓમાં તેમનું નામ આવે છે. માધવસિંહ સોલંકી ચાર વખત એટલે કે૧૯૭૬-૧૯૮૦-૧૯૮૫-૧૯૮૯માં ગુજરાતના મુખ્ય મંત્રી રહી ચૂક્યા હતા. આજે સાંજે ૫.૦૦ વાગ્યા પછી રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કારો કરાશે. તેમના પુત્ર અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા ભરતસિંહ સોલંકી અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યાંથી આ સમાચાર મળતા જ પરત નીકળ્યા હતા. આજે સાંજે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે. તેમણે અમદાવાદ એરપોર્ટ પર જણાવ્યું કે હું જે કઈ છું તેઓ મારા પિતાના કારણ જ છું

ભરતસિંહ સોલંકીએ જણાવ્યું કે 'મારા પિતા ૬ દશકા સુધી લોકોની પડખે રહ્યા હતા. તેમણે હંમેશા પાર્ટીના સિદ્ધાંતો માટે કામ કર્યુ. મને તેમનો વારસો મળ્યો હતો. હું જે કઈ પણ છું તે પિતાની બદોલત છું. અમારા પરિવારને અને કૉંગ્રેસ પરિવારને આજે મોટી ખોટ પડી છે'

કૉંગ્રેસના વરિષ્ઠ નેતા માધવસિંહ સોલંકીનું ૯૪ વર્ષની વયે શનિવારે અવસાન થયું છે. પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીએ તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. પરિવારના વર્તુળઓના જણાવ્યા મુજબ માધવસિંહને સવારે કાર્ડિયાક એરેસ્ટ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  માધવસિંહ સોલંકીના નિધનને પગલે રાજ્યમાં એક દિવસના શોકની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. માધવસિંહ સોલંકીના પુત્ર, કૉંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અમેરિકા હતા જે સાંજે આવી પહોંચ્યા છે. માધવસિંહ સોલંકીની અંતિમવિધિ આજે રવિવારે બપોરે પાંચ કલાકે કરવામાં આવશે.

કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાના જણાવ્યા પ્રમાણે, માધવસિંહ સોલંકીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રવિવારે અમદાવાદ પાલડી ખાતે આવેલા કૉંગ્રેસ કાર્યાલય લાવવામાં આવશે. બપોરે ૩થી ૫ દરમિયાન નેતાઓ અને કાર્યકરો તેમના અંતિમ દર્શન કરી શકશે. સાંજે ૫ વાગ્યે અમદાવાદ વીએસ સ્મશાનગૃહ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરાશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શનિવારના પોતાના તમામ કાર્યક્રમો રદ કર્યા હતા. તેમણે મહિસાગર ખાતેનો કાર્યક્રમ રદ કરીને કેબિનેટ બેઠક બોલાવી હતી. બેઠકમાં મંત્રી મંડળે બે મિનિટનું મૌન પાળી શોક દર્શક ઠરાવ પસાર કરાયો હતો. સીએમ રૂપાણીએ સેક્ટર-૨૦ ખાતે માધવસિંહના નિવાસસ્થાને જઇને તેમના પાર્થિવ દેહને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ ઉપરાંત કૉંગ્રેસના નેતા રાજીવ સાતવ, અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ પણ માધવસિંહના નિવાસસ્થાને પહોંચીને તેમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. માધવસિંહ સોલંકીને રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવાનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં માધવસિંહ સોલંકીની ભૂમિકા નોંધપાત્ર રહી છે. માધવસિંહ સોલંકીનો જન્મ ૩૦ જુલાઈ ૧૯૨૭ના રોજ થયો હતો અને તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ચાર વખત (૧૯૭૩, ૧૯૭૫, ૧૯૮૨ અને ૧૯૮૫) ચૂંટાયા હતા.

      તેઓ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીના સૌથી લાંબો સમય સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. માધવસિંહ સોલંકી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીના પિતા થાય છે. તેઓ 'ખામ થિયરી' માટે જાણીતા થયા હતા. આ થિયરીથી તેમણે ૧૯૮૦માં ગુજરાતમાં સત્તામાં આવ્યા હતા. માધવસિંહ ૧૯૫૭માં મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા અને ૧૯૬૦મા ગુજરાત અલગ રાજ્ય બનતા ગુજરાતની ધારાસભામાં આવ્યા. ખામ થિયરીની વાત કરીએ તો, વર્ષ ૧૯૮૫માં માધવસિંહ સોલંકીએ આ થિયરી અપનાવી ગુજરાતમાં ૧૪૯ બેઠકો કબજે કરી હતી. જે આજ સુધીની સૌથી હાઈએસ્ટ બેઠકો છે. કોઈપણ પક્ષ આટલી બેઠકો કબજે નથી કરી શકયુ. માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી ૪ જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો.(K-ક્ષત્રિય, H-હરિજન, A-આદિવાસી અને M-મુસ્લિમ એટલે KHAM) જે ખુબજ સફળ રહ્યો હતો.

(10:08 pm IST)