ગુજરાત
News of Monday, 11th January 2021

રાજપીપળા મુખ્ય માર્ગ પરથી રાજ્યપાલ પસાર થનાર હોવાથી મુખ્ય માર્ગોના વેપારીઓને ધંધા બંધ રાખવા તાકીદ કરાતા રોષ

ઉત્તરાયણ પર્વે માંડ ધંધાઓ જામ્યા અને વીવીઆઈપી મહેમાનોના સ્વાગતમાં લોકોના ધંધા રોજગાર ઠપ્પ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ફરીથી પોતાની ફેમેલી સાથે ફરવા માટે નર્મદાના પોઇચા મંદિર ખાતે આવી રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા પોઇચા નજીક કોઈ હેલિપેડના બનાવવું પડે એ માટે રાજપીપળાનું એરોડ્રામ કે જ્યાં ત્રણ હેલી પેડ બનાવવામાં આવ્યા છે.અને એર સ્ટ્રીપ પણ  અમાવવામાં આવી રહી છે. આ હેલિપેડ ખાતે સવારે હેલિકોપટર દ્વારા રાજ્યપાલનું આગમન થશે.જ્યાં ગાર્ડ ઓફ ઓનર આપી તેમની રાજભવનની કારમાં રોડ માર્ગે પોઇચા જશે.જેના કારણે રવિવારે બપોરથી પોલીસ ટિમો શહેરના વેપારીઓને તાકીદ કરવા નીકળી હતી.અને સાંજે મુખ્ય માર્ગ પરથી સાયરન વગાડતો કાફલો પસાર થતા લોકોમાં ફફડાટ પણ જોવા મળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા હેલીપેડથી પોઇચા જવા માટે રાજપીપળા શહેર વચ્ચેથી પસાર થવું પડે અને મુખ્ય સ્ટેશન રોડ હોય જ્યાં હાલ ઉતરાયણ પર્વને લઈને ભીડ વધુ હોય લારીગલ્લા પર લોકો દોરીઓ, પતંગ, મોટા લાઉડ હોર્ન, પીપૂડા સહિત ફ્રુટ અને અન્ય ચીજવસ્તુઓનો ધંધો કરતા હોય આ તમામને જિલ્લા કલેકટરની સૂચનાથી તંત્ર દ્વારા સોમવારે સવારથી જ લારીગલ્લા નહીં ખોલવા સૂચના આપવામાં આવી. લોકોમાં રોષ જોવા મળ્યો છે. હાલ દિવાળી બાદ માંડ પહેલો તહેવાર છે કે સરકાર દ્વારા છૂટ આપવામાં આવી છે. હવે રાજપીપળા શહેરના રસ્તે રાજ્યપાલને પોઇચા લઈ જવાના હોઈ જેમાં કલાક પહેલાં પોલીસ ગોઠવી ટ્રાફિક હટાવી દે અને કોનવે ગયા પછી ફરી બજાર ધબકતું થઈ જાય જેમાં લોકોની રોજગારી છીનવવાની શુ જરૂર છે. તેવી ચર્ચા સાથે બજારમાં રોષ જોવા મળ્યો છે.
એક તરફ કોરોનાએ લોકોની રોજગારી છીનવી અને હવે તહેવારમાં કમાણીના સમયે જ રાજ્યપાલના આગમનના કારણે રોજગારી છીનવતાં લોકોમાં રોષ ફેલાયો જોવા મળ્યો હતો. તંત્ર દ્વારા તહેવાર નિમિત્તે જ ગરીબ લોકોને લારી ગલ્લા હટાવી દેવાની સૂચના મળતા લોકોમાં ફફળાટ પણ ફેલાયેલો જોવા મળ્યો હતો

 

(10:50 pm IST)