ગુજરાત
News of Monday, 11th January 2021

વડોદરાના સાકરદા ગામમાં કાર ચાલકે ભેંસને ટક્કર મારવા બાબતે ઠપકો આપતા ઉશ્કેરાયેલ શખ્સે મહિલા પર કાર ચડાવી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરતા ગુનો દાખલ

વડોદરા:શહેરના સાકરદા ગામમાં કાર ચાલકે ભેંસને ટક્કર મારવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા કારચાલકે મહિલા પર કાર ચડાવી દઈ મારી નાખવાનો જીવલેણ પ્રયાસ કર્યો હોવાનો બનાવ નંદેશરી પોલીસ મથકે નોંધાયો છે.

વડોદરા શહેર નજીક આવેલા સાંકરદા ગામમાં રહેતા કનકબેન પઢીયારની ભેંસને ગામમાં જ રહેતા પારસ પઢીયારએ બેદરકારીપૂર્વક પોતાની કાર ચલાવી ટક્કર મારી હતી. સપ્તાહ બાદ આ અંગે ફરી કારમાં પસાર થતા પારસ પઢીયારને કનક બેનએ રોકી કાર સરખી ચલાવવા ટોક્યો હતો. દરમ્યાન ઉશ્કેરાયેલા કારચાલકે કાર તેમની ઉપર ચલાવવાનો જીવલેણ પ્રયાસ કર્યો હતો. જોકે કનકબેનએ સાઈડ પર ખસી જઇ પોતાનો બચાવ કર્યો હતો. 

ત્યાર બાદ કારચાલક કનક બેનના ઘરે પહોંચી ગયો હતો અને મારા-મારી કરી અપશબ્દો બોલી જણાવ્યું હતું કે, આ કાર ચડાવીને તને મારી નાખીશ. બનાવ સંદર્ભે નંદેશરી પોલીસે પારસ પઢીયાર વિરૂદ્ધ મારામારી ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:11 pm IST)