ગુજરાત
News of Monday, 11th January 2021

મકરસંક્રાંતિ પહેલા ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો થતા પતંગ રસિકોમાં રાહત પરંતુ ઉત્તરાયણ ઉપર માવઠાની શક્‍યતા

અમદાવાદઃ  હવામાન ખાતાએ આગાહી કરી છે કે રાજ્યમાં આગામી બે -ત્રણ દિવસમાં જ ઠંડીમાં વધારો થવાની અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે.

સપ્તાહ પહેલાં થયેલા ઠંડીમાં વધારામાં રવિવારથી ઘટાડો નોંધાયો. તેથી પતંગ રસિયાઓને રાહત થઇ હશે. પરંતુ માવઠું તેમની મજા બગાડી શકે છે.

22 જિલ્લામાં તાપમાન 10 ડિગ્રીની ઉપર

રાજ્યમાં ઠંડીમાં રાહત થઇ. માત્ર નલિયા સિવાય રાજ્યના 22 જિલ્લામાં ઠંડીનો પારો 10 ડિગ્રી ઉપર નોંધાયો. ગુજરતીઓમાં પ્રિય પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં પણ પારો ઊંચકાતા સહેલાણીઓએ નકી લેકમાં બોટિંગની મજા માણી હતા. માઉન્ટ આબુમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી અને મહત્તમ તાપમાન દિવસે 21 ડિગ્રી નોંધાયું હતું.

અમદાવાદમાં 17.3,ગાંધીનગરમાં 16.2 ડિગ્રી ઠંડી

આજે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન એકમાત્ર નલિયામાં 7.8 ડિગ્રી નોંધાયું હતું. તે સિવાયના 22 શહેરોમાં 10 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 17.3 અને ગાંધીનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલટો

ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરમાં રવિવારે સામાન્ય વાદળછાયા વાતાવરણ વચ્ચે લઘુત્તમ તાપમાન દોઢ ડિગ્રી જેટલું ઉંચકાયું હતું. જેના કારણે ઠંડીનો પારો 14.5 થી 16.2 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો.

હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં કમોમસી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. એટલે સુરત, નવસારી, વલસાડ, વાપી સહિતના વિસ્તારોમાં માવઠું પડી શકે છે.

હવામાન વિભાગ અનુસાર, હવામાં વધુ પડતા ભેજના કારણે સોમવારે સવારે ધૂમ્મસભર્યું વાતાવરણ સર્જાઈ શકે છે. તેથી ઠંડીમાં રાહત જોવા મળશે. પરંતુ વાતાવરણ સામાન્ય બનતાં આગામી 2 દિવસમાં ઠંડી 2-3 ડિગ્રી વધશે.

આગાહી મુજબ રાજ્યમાં આજે ડાંગ,વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

માવઠાથી વલસાડમાં કેરીના પાકને નુકસાન

અગાઉ પડેલા માવઠાને કારણે વલસાડ જિલ્લાનાં કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હાલ કેરીના પાકમાં મંજરી ફૂટવાનો સમય છે અને ખેડૂતોએ દવા છાંટવાનું શરૂ કર્યું છે. પરંતુ વરસાદના કારણે દવા ધોવાઈ જાય તેવી આશંકા છે. તો જે મંજરી મોટી થઈ ગઈ છે તેમાં આ કમોસમી વરસાદના કારણે ફૂગ અને પેસ્ટનો ઉપદ્રવ થવાની ભીતિ છે.

વલસાડમાં કેરીના પાકની સાથે કઠોળના પાકને પણ નુક્સાન થવાની શક્યતા છે. વલસાડ જિલ્લામાં કેરીનો પાક એ મુખ્ય પાક છે અને 70 ટકા ખેડૂતોની વર્ષભરની આવક આ પાક પર નિર્ભર છે. પરંતુ આ કમોસમી વરસાદના કારણે 35 હજાર હેકટરમાં કેરીના પાકને નુકસાન થઈ શકે છે.

નવસારીમાં પણ ખેડૂતોની આશા પર પાણી

નવસારીના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. વરસાદને કારણે કેરી, શેરડી અને ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું છે. કેરીના મોર ખરી પડતા નુકસાન થયું છે.

તો ડાંગરનો ધરૂ ભીંજાઈ જતા ખેડૂતોને નુકસાન થયું છે. જ્યારે શેરડી માટે કરાયેલી પાળ ફરી બનાવવાની ફરજ પડી છે. ત્યારે હવે ખેડૂતો સરકાર પાસે કમોસમી વરસાદથી થયેલી નુકસાની અંગે સહાયની માગ કરી રહ્યા છે.

(5:19 pm IST)