ગુજરાત
News of Monday, 11th January 2021

ગુજરાતના સરકારી વિભાગો અને શૈક્ષણિક કચેરીઓમાં ડો. બાબા સાહેબ આંબેડકરની છબીઓ મુકવા સીએમઓની સૂચના

ગાંધીનગર: ગુજરાતના સરકારી વિભાગો તથા શૈક્ષણિક કચેરીઓમાં રાષ્ટ્રીય નેતા ડો. બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવાની માંગણી સાથે દલિત અધિકાર મંચ તરફથી 26મી જાન્યુઆરી 2020થી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તેને આગામી 26મીના રોજ એક વર્ષ પૂર્ણ થશે, ત્યારે આ મુવમેન્ટના સમર્થનમાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમાર સહિત કોંગ્રેસના 3 ધારાસભ્યોએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.

આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી કચેરી તરફથી રાજયના સામાન્ય વહીવટ વિભાગને આ રજૂઆત પરત્વે યોગ્ય કાર્યવાહી કરવા માટે વિનંતી કરી છે. બીજી તરફ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે જણાવ્યું છે કે, આગામી 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ છે, ત્યારે સરકાર તરફથી આ અંગેની જાહેરાત કરીને ડો. બાબાસાહેબને રાષ્ટ્રીય સન્માન આપવામાં આવે. નહીં તો મંચ દ્વારા આગામી દિવસોમાં વિરમગામથી વિધાનસભા સુધીની સન્માન યાત્રા કાઢવામાં આવશે.

દલિત અધિકાર મંચ, મિશન સુરક્ષા પરિષદ સહિત અનેક સંગઠનો દ્વારા સરકારી કચેરીઓમાં ડો. બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવા માટે ઝૂંબેશ ચલાવી હતી. તત્કાલિન અમદાવાદ જિલ્લા કલેકટર કે. કે. નિરાલાએ જિલ્લા તમામ ખાતાના વડાઓને પત્ર લખીને જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

આ સૂચનાના પગલે અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનમાં, જિલ્લા પ્રાથમિક શાળાઓમાં અને પંચાયતોમાં ડો. બાબા સાહેબની છબી મૂકવાનું અભિયાન પુરજોશમાં ચાલ્યું હતું. જેથી દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડે રાજયભરની સરકારી કચેરીઓમાં બાબાસાહેબની છબી મૂકવા રાજયપાલને પત્ર લખ્યો હતો.

તેમણે આ પત્ર સામાન્ય વહીવટ વિભાગને પત્ર તબદિલ કર્યો હતો. જેના પગલે સામાન્ય વહીવટ વિભાગ તરફથી અરજદાર રાઠોડને જવાબ પાઠવ્યો હતો. તેમાં સરકારનો ઠરાવ મોકલી આપ્યો હતો. જેમાં રાષ્ટ્રીય નેતામાં ડો. બાબા સાહેબના નામનો સમાવેશ નહતો.

આથી તેમણે ડો. આંબેડકરનો સમાવેશ કરવા માટે રાજયના સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વર પરમાર સહિત ધારાસભ્યોને આવેદનપત્રો આપ્યા હતા. જેના પરિણામ સ્વરૂપ સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વર પરમાર તરફથી સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને અરજદારની રજૂઆત પરત્વે નિયમાનુસાર યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી છે.

જયારે કોંગ્રેસના ધારાસભ્યો દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ તથા પાટડી- દસાડાના ધારાસભ્ય નૌશાદ સોંલકીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને અરજદારના સમર્થનમાં પત્રો લખીને સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં સુધારો કરીને બાબાસાહેબ આંબેડકરની છબી મૂકવાની માંગણી કરી છે.

આ પત્રોના આધારે મુખ્યમંત્રી કાર્યાલયના અધિક કલેકટર ચંદ્રેશ કોટકે સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવને અરજદારના આવેદનપત્રની વિગતો ચકાસી નિયમાનુસાર કાર્યવાહી કરીને અરજદારને યોગ્ય પ્રત્યુત્તર પાઠવવા વિનંતી કરી છે.

ધારાસભ્યોએ શું લખ્યું પત્રમાં ?

 ધારાસભ્ય શૈલેષ પરમારે લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ભારતીય બંધારણના ઘડવૈયા, દેશના પ્રથમ કાયદા મંત્રી, મહિલાઓ, દબાયેલા-કચડાયેલા ગરીબોના ઉધ્ધારક અને ભારતીયોને જેમણે વિશ્વમાં ગૈરવ અપાવે તેવું બંધારણ આપી દેશને આદર્શ લોકશાહીની ભેટ ધરી તેવા ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ સમગ્ર દેશમાં ગૈરવપૂર્ણ રીતે લેવાય અને રાજયની તમામ સરકારી અને શૈક્ષણિક કચેરીઓમાં રાષ્ટ્રીય નેતાઓની છબી પ્રદર્શિત કરવા સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં જરૂરી સુધારો કરી રાષ્ટ્રીય નેતાની યાદીમાં ડો. બાબાસાહેબને સ્થાન આપવા માંગણી અને ભલામણ કરી છે.

વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે જણાવ્યું છે કે, અરજદારની રજૂઆતમાં દર્શાવેલી વિગતે તપાસ કરાવી રાષ્ટ્રીય નેતાની યાદીમાં ડો. બાબાસાહેબને ચોક્કસ સ્થાન મળે તે માટે સામાન્ય વહીવટ વિભાગના ઠરાવમાં સુધારો કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા મારી ભલામણ સાથે વિનંતી છે.

(5:21 pm IST)