ગુજરાત
News of Monday, 11th January 2021

વિરમગામ તાલુકાના મણિપુરાની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના શિક્ષકનો વિદાય સમારંભ યોજાયો

મહેશકુમાર કાવરએ વ્યાયામ શિક્ષક તરીકે ૧૦ વર્ષ અને જુનીયર ક્લાર્ક તરીકે ૯ વર્ષ સુધી શાળામાં સેવા આપી

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : વિરમગામ તાલુકાના મણિપુરાની શ્રી સ્વામિનારાયણ વિદ્યાલયના શિક્ષક મહેશકુમાર કાનજીભાઇ કાવરનો વિદાય સમારંભ યોજાયો હતો. તેઓએ વ્યાયામ શિક્ષક તરીકે ૧૦ વર્ષ અને જુનીયર ક્લાર્ક તરીકે ૯ વર્ષ સુધી શાળામાં સેવા આપી છે અને બદલી થતા સન્માનપત્ર આપીને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પ્રમોદભાઇ પટેલ, શ્રી સ્વામિનારાયણ કેળવણી ઉતેજક મંડળ, મણિપુરાના ટ્રસ્ટીઓ, શાળા પરીવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

  શ્રી સ્વામિનારાયણ વિદ્યાલય પરિવાર, મણીપુરા દ્વારા આપવામાં આવેલ સન્માનપત્રમાં જણાવ્યા મુજબ, શિક્ષણ ક્ષેત્રે ૧૯ વર્ષ સેવા આપી નિયમાનુસાર આપ શાળામાથી અન્ય શાળામાં બદલી થતાં આપને સન્માનતા અમારા હૈયા હર્ષથી પુલકિત બની ઊઠે છે. મણિપુરા ગામમાં વ્યાયામ શિક્ષક તરીકેનો હુકમ મળતા નોકરી શરૂ કરી આપ શ્રી વ્યાયામ શિક્ષક તરીકે ૧૦ વર્ષ અને જુનીયર ક્લાર્ક તરીકે ૯ વર્ષ સુધી શાળામાં સેવા આપી ચૂક્યા છો.

આપના આદર્શ નેતૃત્વ હેઠળ શાળા, વિધાર્થીઓ વગેરેએ અદભૂત વિકાસની કેડી કંડારી છે. શિક્ષક અને ક્લાર્ક તરીકેનું શિસ્તમય જીવન સદાયે સૌના માટે પ્રેરણાદાયી રહ્યું છે. આપના શાંત, સરળ અને સ્નેહી સ્વભાવના અમો કાયમ ઋણી છીએ. આપને શાળામાંથી વિદાય આપતા અમારા હૈયા દૂ:ખથી દ્રવી ઊઠે છે.આપ જેવા શિક્ષકની આ શાળાને સદાય ખોટ સાલશે,  અંતમાં અમો સૌ આપને અને આપના પરિવારને શુભકામના પાઠવીએ છીએ. આપનું શેષ જીવન સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે સાર્થક થાય એ જ શુભેચ્છા. 

(5:46 pm IST)