ગુજરાત
News of Monday, 11th January 2021

ગાંધીનગરમાં ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦ સિઝન ૪ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં સંપન્ન

મુખ્યમંત્રીએ વિવિધ કેટેગરીમાં સાત જેટલા એવોર્ડઝ અર્પણ કર્યા: ગુજરાત રાજ્યમાં ડેઝર્ટ ટુરીઝમ-હેરિટેજ ટુરીઝમ-સ્પિરિચ્યુઅલ ટુરીઝમ-એડવેન્ચર ટુરીઝમ-મેડિકલ ટુરીઝમ અને સ્પોર્ટ ટુરીઝમ ક્ષેત્રે વિકાસની અસિમ સંભાવનાઓ છે :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી

અમદાવાદ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, ગુજરાતમાં ડેઝર્ટ ટુરીઝમ, હેરિટેજ ટુરીઝમ, સ્પિરિચ્યુઅલ ટુરીઝમ, એડવેન્ચર ટુરીઝમ, મેડિકલ ટુરીઝમ અને સ્પોર્ટ ટુરીઝમ વગેરે ક્ષેત્રે વિકાસની અસિમ સંભાવનાઓ રહેલી છે. સરકાર ટુરીઝમ માટે રાજ્યમાં વર્લ્ડ ક્લાસ  આંતરમાળખું ઊભું થાય તે માટે પ્રયાસરત છે.
  ગાંધીનગરના ગીફ્ટ સિટી ખાતે આયોજીત ટુરીઝમ એવોર્ડ-૨૦૨૦ સિઝન ૪ના એવોર્ડ વિતરણ સમારોહમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત એક એવું રાજ્ય છે જેની પાસે રણ, દરિયો, જંગલ, વન્યજીવ, પહાડો અને ઋતુઓનું વૈવિધ્ય છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્ર માટે આ એક સોનેરી તક છે. પ્રકૃતિએ ગુજરાત પર ખૂબ વરસાવ્યું છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રે નજરાણા સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટી, સફેદ રણ, સાસણ જંગલ સફારી ઉપરાંત હવે સરકારે સીમાદર્શન પણ શરૂ કરાવ્યું છે.
  મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, કોરોના પેન્ડેમીકને કારણે સૌથી વધુ અસર ટુરિઝમ ક્ષેત્રને થઇ છે. જેમાં ટૂર ઓપરેટર્સ, ટ્રાન્સપોર્ટર્સ અને હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને પણ વ્યાપક અસર થઇ છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, સેવા ક્ષેત્રમાં પ્રવાસન ક્ષેત્રે સૌથી વધુ રોજગાર-ધંધા સર્જન થવાની શક્યતાઓ રહેલી છે.
 મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટુરીઝમ ક્ષેત્ર પર વિશેષ ભાર આપ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી, બાલાસિનોર ફોસાઇલ પાર્ક, ગાંધી સર્કિટ અને શિવરાજપૂર બ્લ્યુ બીચ સરકારની પ્રવાસન સ્થળોને વિશ્વકક્ષાના બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
તેમણે ઉમેર્યું કે, કોરોનાની મહામારી દરમિયાન પણ માર્ગદર્શિકાના પાલન સાથે અંદાજે ૨૫ હજાર લોકો દરરોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લે છે, ત્યાંના વિવિધ આકર્ષણોનો આનંદ મેળવે છે. રાજ્યના પ્રવાસન ક્ષેત્રને આપણે નવી ઉંચાઈઓ સર કરાવી શું તે નિશ્ચિત છે. તેઓએ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
 આ એવોર્ડ સમારોહમાં પાલીતાણા ધામને બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશન ઓફ ગુજરાત, દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર બીચને બેસ્ટ બીચ ઓફ ગુજરાત, શ્રી સોમનાથ મંદીરને બેસ્ટ પિલિગ્રીમેજ ઓફ ગુજરાત, મોઢેરા સૂર્યમંદિરને બેસ્ટ હેરિટેજ મોન્યુમેન્ટ ઓફ ગુજરાત, પદ્મશ્રી પિયુષ પાંડેને લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ, લક્ષ્મીવિલાસ પેલેસને હેરિટેજ પેલેસ અને લોકડાઉન દરમિયાન એક લાખ જેટલા શ્રમિકોને નિ:શુલ્ક વતન પહોંચાડનાર અક્ષર ટ્રાવેલ્સને નોબલ ઇનિશીયેટીવ ઇન પેન્ડેમીક એવોર્ડ અને એસ.આઈ.એચ.એમ.ને બેસ્ટ હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ ઓફ ગુજરાતનો એવોર્ડ મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરાયા હતા.
આ સમારોહમાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજ્યમંત્રી વાસણભાઇ આહિર અને ગાંધીનગર શહેરના મેયર શ્રીમતી રીટાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા

(8:50 pm IST)