ગુજરાત
News of Tuesday, 11th May 2021

પતિએ પત્નિને જેઠ સાથે અને ભાભીને પોતાની સાથે સંબંધ બાંધવા કહ્યું

ભદ્ર સમાજનું માથુ શરમથી ઝૂકી જાય તેવી અમદાવાદની ઘટના : પતિએ કહ્યું આપણે વાઇફ સ્વેપિંગ કરીએ, મહિલાએ વાત ન માનતા ત્રાસ આપવાનું શરૂ કર્યુ

અમદાવાદ, તા.૧૧: શહેરમાં દિવસે દિવસે મહિલાઓ સામે ગુનાના કિસ્સા વધી રહ્યા છે. તેવામાં અમદવાદના સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પતિએ પત્નીને પોતાના મોટાભાઈ સાથે વાઈફ સ્વેપિંગ માટે કહેતા ભદ્ર સમાજનું માથું શરમથી ઝુકી જાય તેવી સ્થિતિ બની છે. મહિલાએ તેના પતિ જેઠ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અને જેઠ માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. પતિએ પત્નીને સ્પષ્ટ કહ્યું હતું કે, તેને પોતાના જેઠ સાથે સેકસ કરવાનું અને પોતે જેઠની પત્ની એટલે કે ભાભી સાથે સેકસ કરશે. પરંતુ મહિલા આ બાબતે તાબે ન થતા તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. મહિલાનો જેઠ વારેદ્યડીએ બદ ઈરાદાથી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો હતો. જેથી આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહેસાણા જિલ્લામાં આવેલા એક ગામની ૩૪ વર્ષીય મહિલાના લગ્ન વર્ષ ૨૦૦૯માં ચાણકયપુરી ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. આ મહિલાને સંતાનમાં બે દીકરા છે જે હાલ તેની સાથે રહે છે. મહિલાએ પોતાની ફરિયાદમાં આરોપ મુકતા જણાવ્યું હતું કે લગ્ન વખતે પતિએ અને તેના ભાઈએ મહિલાના માતા-પિતા પાસે કરિયાવર સ્વરુપે દહેજની માગણી કરતાં મહિલાના માતા પિતાએ લગ્ન વખતે રુપિયા આપ્યા હતા. લગ્ન બાદ મહિલાનો પતિ બેકાર હોવાના કારણે મહિલાના જેઠ અને નણંદ કહેતા કે પરણીને આવી છે તો બધાને કમાઈને તારે ખવડાવવું પડશે અને કમાઈ શકે નહીં તો તારા દ્યરેથી હજુ પણ રુપિયા લાવવા પડશે એમ કહી તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી આ મહિલાએ પહેલા પોલિટેકિનક કોલેજમાં લેકચરર તરીકે નોકરી શરૂ કરી હતી.

બાદમાં વર્ષ ૨૦૧૩માં મહિલાનો પતિ નાઇજીરીયા દેશના લાગોસ ખાતે નોકરી માટે ગયો હતો અને તેના છ મહિના પછી આ મહિલા પણ ત્યાં ગઈ હતી. બાદમાં પતિ-પત્ની અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. ત્યારે પણ મહિલાનો પતિ કહેતો કે, તું તારા ઘરેથી રુપિયા મંગાવી લે અને રુપિયા ના મંગાવી શકતી હોય તો તું તારા ઘરે જતી રહે તેમ કહી તેને ત્રાસ આપતો હોવાનો મહિલાએ આરોપ મુકયો છે.

આ દરમિયાન મહિલા ગર્ભવતી થતાં વર્ષ ૨૦૧૫માં તે ભારત ખાતે પ્રસૂતિ માટે આવી હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. જયારે મહિલા પ્રસુતિ માટે ભારત આવી હતી ત્યારે તેના જેઠે ખોટી માગણીઓ કરી તેને માનસિક શારીરિક ત્રાસ આપતા હોવાનો પણ મહિલાએ આરોપ મુકયો છે. જે બાબતે મહિલાએ તેના પતિને આ વાત કરતાં તેમણે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધું તો સહન કરવું પડશે અને સહન ના થાય તો તારા પિતાના ઘરે જતી રહે. વર્ષ ૨૦૧૭માં બીજી પ્રસુતિ માટે જયારે આ મહિલા ભારત આવી હતી ત્યારે પણ તેને દીકરાને જન્મ આપ્યો હતો અને વર્ષ ૨૦૧૭માં આ મહિલાના સસરાનું મૃત્યુ થતાં તેનો પતિ પણ પરત ભારત આવી ગયો હતો.

ત્યારબાદ મહિલાનો પતિ અને જેઠ બંને ભેગા મળીને તેના પર દબાણ કરતા હતા કે, તારે વાઈફ સ્વેપિંગ કરવું પડશે. તેના પતિએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, તેને તેના ભાઈ એટલે કે જેઠ સાથે સેકસ કરવાનું અને ભાઈની પત્ની સાથે મારે એટલે કે, એક બીજાની પત્નીઓની અદલાબદલી કરવાનું. જેથી મહિલાએ આ બાબતે સ્પષ્ટ ના પાડતા બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. વર્ષ ૨૦૧૮માં મહિલા અને તેનો પતિ ફરી નાઇજીરીયા ગયા હતા. ત્યારે દારૂ પીને તેનો પતિ તેને માર પણ મારતો હતો. એટલું જ નહીં વર્ષ ૨૦૨૦માં જયારે મહિલા પછી અમદાવાદ આવી ત્યારે તેના જેઠે તેની સાથે જાતિય માગણી કરતા તેના શરીરને બદદાનતથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હોવાનો આરોપ પણ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.

મહિલાએ તેના પતિને જેઠના વર્તનની વાત કરી તો તેને કહ્યું કે, મારો ભાઈ કહે તે તારે કરવાનું અને ના કરવું હોય તો મને છુટાછેડા આપી દે. જેથી આ બાબતે મહિલાએ કંટાળીને પોલીસને મદદ લીધી હતી. જેથી સોલા પોલીસે આ મામલે આરોપી પતિ જેઠ અને ફોઈની દીકરી એવી નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(3:54 pm IST)