ગુજરાત
News of Friday, 11th June 2021

ઝઘડાના નિવારણ માટે ગયેલા ભાઈઓ સામે કર્ફ્યુ ભંગનો કેસ

રાજ્યમાં ધીરેધીરે કોરોનાના વળતા પાણી : કર્ફ્યુમાં બહાર નિકળવાનું કારણ બહેનના ત્યાં ઝઘડાની પતાવટનું કહેતા પોલીસે તેને વાજબી ન માની ગુનો નોંધ્યો

અમદાવાદ, તા. ૧૦ : રાજ્યમાં હાલ ધીરે ધીરે કોરોનાના વળતા પાણી થઈ રહ્યા છે જેને ધ્યાને રાખીને રાજ્યમાં લાગુ કરવામાં આવેલા મીની લોકડાઉનમાં ધીરે ધીરે છૂટછાટ આપવામાં આવી રહી છે. જોકે હજુ પણ રાત્રી કર્ફ્યૂ લાગુ છે તેવામાં અમદાવાદમાં રહેતા બે ભાઈઓને તેની બહેનને આવેલી સમસ્યા હલ કરવા જવું મોંઘું પડી ગયું. શહેરના સરદાર નગરમાં રહેતા બે ભાઈઓ વસ્ત્રાપુરમાં રહેતી બેનના ઘરે કોઈ ઝગડો થયો હોવાથી તેનું નિવારણ કરવા માટે ગયા હતા. જોકે ત્યાંથી રિટર્ન થવામાં તેમને થોડું મોડું થઈ ગયું હતું. તેવામાં રસ્તામાં પોલીસ કર્ફ્યૂ સમયમાં ફરતા બંને ભાઈઓને રોક્યા હતા અને બહાર નીકળવાનું કારણ પૂછ્યું હતું જોકે ભાઈઓએ બહેનના ઘરે ઝગડાનું કહેતા પોલીસે કહ્યું હતું કે કોઈ વ્યાજબી કારણ નથી. તેમ કહીને તેમની સામે કર્ફ્યૂના ભંગ માટે ગુનો દાખલ કર્યો હતો.

વસ્ત્રાપુર પોલીસમાં નોંધાવેલી એફઆઈઆર મુજબ પોલીસ વસ્ત્રાપુરમાં આવેલ સંજીવની હોસ્પિટલ નજીક રસ્તા પર ટી-જંકશન ખાતે તહેનાત હતા. ત્યારે તેમણે ત્યાંથી એક એસ.યુ.વી.ને પસાર થતા જોઈ.

એફઆઈઆરમાં જણાવ્યા મુજબ પોલીસ જવાનોએ વાહન રોકીને ડ્રાઇવર અને તેની બાજુમાં બેઠેલા શખ્સની પૂછપરછ કરી. "તેઓએ પોતાને સરદારનગરમાં રહેતા ભરત આહુજા(૪૫) અને રણજીત આહુજા(૩૧) તરીકે રજૂ કર્યા હતા. તેઓએ પોલીસને કહ્યું કે તેઓ તેમની બહેનના ઘરેલું ઝઘડાનું નિવારણ કરવા ગયા હતા, જેમાં સમય લાગ્યો અને તેઓ મોડા પડ્યા.

એફઆઈઆર મુજબ પોલીસે કહ્યું કે કર્ફ્યુ દરમિયાન બહાર નીકળવા માટે કોઈ માન્ય કારણ હતું, તેથી તેઓની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (આઈપીસી) હેઠળ એપિડેમિક એક્ટ અંતર્ગત અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળના આરોપો સાથે કરફ્યુની સૂચનાના ઉલ્લંઘન માટે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

વસ્ત્રાપુર પોલીસ અધિકારીએ કહ્યું કે અમારી સામે આવા ઘણા કિસ્સાઓ આવી રહ્યા છે જ્યાં લોકો એવા કારણો આપે છે કે જેને માન્ય ગણી શકાય નહીં. શહેર પોલીસ કમિશનરે જાહેર કરેલા કર્ફ્યૂના જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે તેમ અમે કર્ફ્યૂનું ઉલ્લંઘન કરતા લોકો સાથે પણ ખૂબ સંવેદનશીલતાભર્યું વર્તન કરીએ છીએ. જો લોકો કર્ફ્યૂના ઉલ્લંઘન કરવા માટેનું કોઈ યોગ્ય કારણ આપે છે, તો અમે તેમને ક્રોસચેક કરીએ છીએ અને પછી જો કારણ માન્ય હોય તેવું લાગે તો અમે તે વ્યક્તિને જવા દઈએ છીએ.

(9:51 pm IST)