ગુજરાત
News of Friday, 11th June 2021

અમદાવાદ :જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સામે ઠગાઈની ફરિયાદ : મહિલાને કાર સસ્તામાં અપાવવાનું કહીને 2.90 લાખ પડાવ્યા

હિનાઓ સુધી ન તો કાર આપી ન તો પૈસા પરત આપ્યા: પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશનમાં જાણીતા ફિલ્મ ડાયરેક્ટર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે નિવૃત મહિલા શિક્ષકને સસ્તામાં કાર અપાવવાનું કહીને ફિલ્મ ડાયરેક્ટર યશ વૈધએ 2.90 લાખ પડાવ્યા હતા અને મહિનાઓ સુધી ન તો કાર આપી ન તો પૈસા પરત આપ્યા. અંતે આ મામલે ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

અજય દેવગણ, અક્ષય કુમાર, નિલ નીતીન મુકેશ જેવા દિગ્ગજ કલાકારો સાથે દેખાતો આ શખ્સ પોતાને ફિલ્મ ડાયરેક્ટર અને પ્રોડ્યુસર કહે છે પરંતુ તેની ફિલ્મી કહાની પાછળનો પડદો ઉઠી ગયો છે. પાલડી પોલીસ સ્ટેશનમાં હિનાબેન દવે નામના નિવૃત મહિલા શિક્ષકે યશ વૈધ સામે ઠગાઈની ફરિયાદ નોંધાવતા હાલ તો પોલીસે તેની તપાસ હાથ ધરી છે.

મહિલાને કાર લેવાની જરૂર હોય તેઓની દિકરી મારફતે યશ વૈધ સાથે મુલાકાત થઈ. બોડકદેવ વિસ્તારમાં રીલ એન્ટરટેઈન્મેન્ટ નામની ઓફિસ ધરાવીને યશ વૈધ ગુજરાતી ફિલ્મો બનાવવાનું કામ કરે છે.

હાલમાં તે છેલ્લો કાર્ડિઓગ્રામ અને રમણીક ઈન પ્રોબ્લમ નામની ફિલ્મ પર કામ કરી રહ્યો છે, ત્યારે તેણે પોતાનો ભાઈ ચિંતન મુંબઈમાં ટાટા કંપનીનો શો રૂમ ધરાવે છે અને 2 લાખ ડિસ્કાઉન્ટ કરાવી આપવાનું કહીને મહિલા પાસેથી ટોકનના 2.90 લાખ લીધા અને રફુચક્કર થઈ ગયો. મહત્વની વાત તો એ છે કે ઠગ યશ વૈધે મહિલાને ટાટા કંપનીની ગાડી બુક થઈ ગઈ છે તે પ્રકારના બોગસ ઈ મેઈલ કર્યા અને 40 દિવસમાં ગાડીની ડિલીવરી થઈ જશે તેવુ જણાવ્યુ હતું.

તેમ છતાં મહિનાઓ થતા ગાડી ન મળતા અંતે મહિલાને પોતાની સાથે ઠગાઈ હોવાનું લાગતા પૈસા પરત માંગતા યશે 1 લાખ પરત આપ્યા, પરંતુ 1.90 લાખ ન આપતા ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે આરોપી યશ વૈધે બોલીવૂડમાં માંજી, એબીસીડી 2, દ્રશ્યમ, બ્રધર્સ અને વેલકમ બેક જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ હોવાનું પોતાના સોશિયમ મીડિયામાં લખાણ કર્યુ છે. ત્યારે આ પ્રકારે ગુજરાતના અનેક લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ કરી હોય તેવી ચર્ચા ચાલી રહી છે.

હાલ તો આ મામલે પાલડી પોલીસે ઠગાઈનો ગુનો નોઁધી આરોપી યશ વૈધને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે આરોપીએ અમદાવાદ સિવાય કચ્છમાં અનેક લોકોને ફિલ્મમાં કામ કરવાની લાલચ આપીને તેમજ ગોંડલનાં ઉદ્યોગપતિ સાથે પણ લાખો રૂપિયાની ઠગાઈ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ ડાયરેક્ટર કમ ઠગે ખરેખર કેટલા લોકોને ઠગ્યા છે તે તો તેની ધરપકડ બાદ જ સામે આવશે. પરંતુ હજુ પણ તેની સામે પોલીસ ફરિયાદ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

(11:15 pm IST)