ગુજરાત
News of Friday, 11th June 2021

' અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર" ના સૂત્ર સાથે કોંગ્રેસના દેશભરમાં ધરણા પ્રદર્શન

અમિત ચાવડાની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે, "અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર" ના સૂત્ર સાથે દેખાવો

અમદાવાદ : કોરોનાની મહામારીમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ આસમાને પહોચ્યા છે. સતત વધી રહેલા ઈંધણના ભાવ વધારા સામે આખરે કોંગ્રેસે આળસ ખંખેરીને રાષ્ટ્રવ્યાપી ધરણા-પ્રદર્શન કરવાનું નક્કી કર્યુ છે. કોંગ્રેસ આજે દેશભરમાં "અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર" ના સૂત્ર સાથે દેખાવો યોજશે. ગુજરાતમાં પણ કોગ્રેસે દેખાવો યોજવાનું નક્કી કર્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સ્થાનિક નેતાઓની આગેવાનીમાં "અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર" ના સૂત્ર સાથે દેખાવો યોજાશે.

ગુજરાત કોંગ્રેસનું કહેવુ છે કે, કોરોના રોગચાળમાં પ્રજા હેરાન થઈ રહી છે. તેને રાહત આપવાની જગ્યાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારામાં રાહત આપતી નથી. છેલ્લા 3 મહિનામાં કેન્દ્રની મોદી સરકારના સત્તાકાળમાં પેટ્રોલના ભાવમાં રૂપિયા 25.72 અને ડીઝલના ભાવમાં રૂપિયા 23.93 ધરખમ વધારો કર્યો છે. માત્ર 5 મહિનાના ટૂંકા ગાળામાં 43 વખત ભાવ વધારો કરાયો છે.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં, ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6 ખાતે, "અબકી બાર પેટ્રોલ ૧૦૦ કે પાર" ના સૂત્ર સાથે દેખાવો યોજશે. અને કેન્દ્ર તથા રાજ્ય સરકારને ઈંધણના ભાવ ધટાડીને પ્રજાને રાહત આપવાની માંગ કરવામાં આવશે.

(10:44 am IST)