વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં 25 વર્ષીય યુવતીએ મિત્રતાની ના કહેતા યુવકે લાકડીના ફટકા મારી ઇજા પહોંચાડી
વડોદરા:શહેરના સયાજીગંજ વિસ્તારમાં કાળાઘોડા બ્રિજ ઉપર વસવાટ કરી ફુગ્ગા વેચી પેટીયું રળતી 25 વર્ષીય યુવતીની છેડતીનો બનાવ સામે આવ્યો છે. બુધવારે રાત્રે નરહરિ સર્કલ પાસે પોતાની ફુગ્ગાની લારી લઈ પરત જઈ રહી હતી ત્યારે સલીમ નામનો વ્યક્તિ હાથમાં લાકડી લઈને ધસી આવ્યો હતો. અને "તને કેટલા દિવસથી પૂછું છું, મારી સાથે દોસ્તી કેમ નથી કરતી" તેમ જણાવી અપશબ્દો બોલી લાકડી વડે માર માર્યો હતો. જેમાં યુવતીને હાથે તથા પગે ઇજા પહોંચી હતી. યુવતીએ શોર મચાવતા રોમિયો ઘટના સ્થળેથી નાસી છૂટયો હતો. હાલ યુવતીને સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ફુગ્ગા વેચતી 25 વર્ષીય યુવતી દોસ્તી માટે તાબે ન થતાં યુવકે લાકડીના દંડા વડે ફટકારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ફરિયાદના આધારે સયાજીગંજ પોલીસે સલીમ નામના વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.