ગુજરાત
News of Friday, 11th June 2021

સુરતમાં બ્લેક ફંગસના લીધે યુવકની બંને આંખો છીનવાઈ

પરિવારે આંખો કાઢી લીધાની વાત યુવકથી છુપાવી : સાવરકુંડલામાં ઓક્સિજન બેડ નહીં મળતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ સાથે દર્દીને કીમ લાવવામાં આવ્યા

મુંબઈ,તા.૧૧ : કોરોના વાયરસ બાદ મ્યૂકોરમાઈકોસિસ કાળો કેર વર્તાવી રહ્યો છે. મ્યૂકોરમાઈકોસિસની સારવાર લાંબી અને ખર્ચાળ તો છે જ સાથે અંગ ગુમાવવાનો વારો પણ આવે છે. સુરતના કીમમાં એક યુવકને મ્યૂકોરમાઈકોસિસના લીધે આંખ કાઢવી પડી છે. કીમની સત્સંગ સોસાયટીમાં રહેતા અલ્પેશ પાંચાભાઈ દાંગોદરા સૌરાષ્ટ્રના સાવરકુંડલા ખાતે મેટાફીન કંપનીમાં ઈરિગેશન ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા હતા. નોકરીમાં ફિલ્ડ વર્ક દરમિયાન અલ્પેશભાઈ કોરોનાની ઝપેટમાં આ્યા હતા. તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જોકે, સાવરકુંડલામાં ઓક્સિજન બેડ નહીં મળતા એમ્બ્યુલન્સમાં ઓક્સિજન સપોર્ટ સાથે તેમને કીમ લાવવામાં આવ્યા હતા. સ્થાનિક હોસ્પિટલમાં સારવાર બાદ કોરોનાની સ્થિતિ તો સુધરી હતી પરંતુ ડૉક્ટરને અલ્પેશભાઈમાં મ્યૂકોરમાઈકોસિસના લક્ષણો દેખાવા લાગ્યા હતા.

      સુરતનાં જાણીતા ન્યૂરોલોજીસ્ટ ડૉ. પાર્થિવ દેસાઈએ અલ્પેશભાઈની તપાસ કરી હતી અને તેમને મ્યૂકોરમાઈકોસિસ થયો હોવાનું કહેતા પરિવાર ચોંકી ગયો હતો. ડૉક્ટર પાર્થિવ દેસાઈએ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં પોતાની દેખરેખ હેઠળ અલ્પેશભાઈની સારવાર શરૂ કરાવી હતી. જોકે, બ્લેક ફંગસ (મ્યૂકોરમાઈકોસિસ) મગજ સુધી પ્રસરી ગયું હતું. જેના કારણે અલ્પેશભાઈની જમણી આંખ કાઢવાનો વારો આવ્યો હતો.

   ત્યારબાદ બ્લેક ફંગસને વધુ પ્રસરતું રોકવા માટે અલ્પેશભાઈની બીજી આંખ પણ કાઢવાનો નિર્ણય લેવાયો હતો. ડૉ. પાર્થિવ દેસાઈ અને અન્ય તબીબોની ટીમે અલ્પેશભાઈની સફળ સર્જરી કરી હતી. અલ્પેશભાઈએ ત્રણ વર્ષ પહેલા મમતાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમની ચાર માસની પુત્રી છે. લગ્નના શરૂઆતના વર્ષોમાં જ પતિને મ્યૂકોરમાઈકોસિસ થતાં હૈયું કઠણ કરીને તેમની આંખો કાઢવા માટેની સંમતિ આપી હતી. મમતાબેન અને બાકીનો આખો પરિવાર અલ્પેશભાઈની પડખે છે. સ્થાનિક અખબારના અહેવાલ મુજબ, હાલ તો અલ્પેશભાઈને એ વાતની જાણ નથી કરવામાં આવી કે તેમની આંખો કાઢી નાખવામાં આવી છે. એક મહિના બાદ તેમના આંખ પરની પટ્ટી હટશે ત્યારે પોતાની ચાર માસની પુત્રની જોઈ શકશે તે આશામાં હાલ અલ્પેશભાઈ દિવસો ગણી રહ્યા છે. બીજી તરફ પરિવાર અલ્પેશભાઈને હૈયું કઠણ કરીને દ્રષ્ટિહીન થયાની વાત કેવી રીતે કહેવી તેની વિમાસણમાં મૂકાયો છે.

(8:59 pm IST)