ગુજરાત
News of Saturday, 11th June 2022

બોરસદ શહેર પોલીસે સાંજના સુમારે કોમ્પલેક્ષની દુકાનમાં અચાનક છાપો મારી જુગારધામ ઝડપી 1.48 લાખની મતા જપ્ત કરી

આણંદ : બોરસદ શહેર પોલીસે ગઈકાલ સમીસાંજના સુમારે શહેરના શાક માર્કેટ પાછળ આવેલ એક કોમ્પલેક્ષની દુકાનમાં અચાનક છાપો મારીને ડીજીટલ જુગારધામનો પર્દાફાશ કર્યો હતો. 

કોમ્પ્યુટર ઉપર જુગાર રમી રમાડતા કુલ ૮ શખ્સોને પોલીસે કુલ્લે રૂા. ૧.૪૮ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બોરસદના ચંદ્રેશ પટેલ તથા શ્યામગિરિ ગોસ્વામીએ શહેરના શાક માર્કેટ પાછળ આવેલ પુરુષોત્તમ પ્લાઝા કોમ્પલેક્ષમાં એક દુકાન ભાડેથી લીધી છે અને ત્યાં કોમ્પ્યુટર ઉપર જુગાર રમાડવામાં આવતો હોવાની ગુપ્ત બાતમી બોરસદ શહેર પોલીસને મળી હતી. મળેલ ગુપ્ત  બાતમીના આધારે પોલીસે ગઈકાલ સમી સાંજના સુમારે પુરૂષોત્તમ પ્લાઝા કોમ્પલેક્ષ ખાતેની દુકાનમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં દુકાનમાં બનાવેલ અલગ-અલગ બોક્સમાં મુકવામાં આવેલ કુલ ૭ કોમ્પ્યુટર સીસ્ટમ ઉપર અલગ-અલગ શખ્સો ગેમ ઉપર હારજીતનો જુગાર  રમી રહ્યા હોવાનું જાણવા મલ્યું હતું. પોલીસે ઘટના સ્થળેથી ૮ શખ્સોને ઝડપી પાડયા હતા. જેમાં કેતુલ મહેશભાઈ ભોઈ, મિલનપુરી સુરેન્દ્રપુરી ગોસ્વામી, સંદીપ રમેશભાઈ મોચી, અજીત નારસંગભાઈ ડામોર, સોહીલ ઉર્ફે જાડીયો સલીમોદ્દીન મલેક, પંકજ રામસીંગ પરમાર, મોહસીન નજીરોદ્દીન મલેક અને બંદીશ મફતભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલ શખ્સોની અંગઝડતી તેમજ દુકાનમાંથી કુલ ૬૬ જેટલા મોબાઈલ ફોન, ૭ કોમ્પ્યુટર સીસ્ટમ તથા રોકડા રૂા. ૫૧૦૦ મળી કુલ્લે રૂા. ૧,૪૮,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે આ ડીજીટલ જુગારધામ ખાતેથી ચંદ્રેશ રમેશભાઈ પટેલ તથા શ્યામગિરિ ગોસ્વામી મળી આવ્યા નહોતા. જેથી પોલીસે આ બંને મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

(6:43 pm IST)