ગુજરાત
News of Thursday, 11th August 2022

પિરામલ ફાઉન્ડેશન દ્વારા વીરપોર આશ્રમ શાળામાં આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ૯મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા ના નાંદોદ તાલુકાના જેતપુર (વીરપોર) આશ્રમ શાળામાં પિરામલ ફાઉન્ડેશન અને શાળાના સહયોગથી આદિવાસી દિનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.‌

જેમાં શાળાના ત્રણ શિક્ષકો, પિરામલ ફાઉન્ડેશનના બે ગાંધી ફેલો અને શાળામાં અભ્યાસ કરતા 88 વિદ્યાર્થીઓ એ ભાગ લીધો હતો.

શાળામાં અભ્યાસ કરતા મોટા ભાગના વિદ્યાર્થીઓ આદિવાસી વિસ્તારમાંથી આવે છે, જેથી તેઓ આ દિવસની મહત્તા અને ગૌરવ માણી શકે તે હેતુસર વિશ્વ આદિવાસી દિવસ નિમિતે વિવિધ પ્રવૃતિઓ જેવીકે નાટક, કવિતાઓ , વેશભૂષા અને પરંપરાગત આદિવાસી નૃત્ય તૈયાર કરાવવામાં આવ્યું હતું. શાળાની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા શાળાના શિક્ષકો અને પિરામલ ફાઉન્ડેશનના ગાંધી ફેલો જુબેર શેખ અને યોગેશ ઘરટે દ્વારા બાળકોમાં કલ્પનાશક્તિ ખીલે અને તેમનામાં આત્મવિશ્વાસ વધે તે માટે 'સ્ત્રોત - શોધ' નામની પ્રવૃત્તિ કરાવવામાં આવી હતી.

 આ ઉપરાંત બાળકોમાં પરસ્પર ચર્ચા થકી તેમનામાં પ્રત્યાયન કૌશલ્ય વિકસે તેથી ધોરણ 1 થી 8નાં વિદ્યાર્થીઓના જુથ તૈયાર કરાયા હતા. તેમા  બાળકોએ તેમના ગામમાં જાહેર સ્ત્રોતો ના અભાવ કારણે પડતી સમસ્યાઓને પ્રેશન્ટેશન દ્વારા સમજાવી હતી. આ રીતે આદિવાસી દિનની ઉજવણી કળા અને કૌશલ્યની પ્રવૃત્તિઓ થકી ઉજવવામાં આવી.

(12:13 am IST)