ગુજરાત
News of Thursday, 11th August 2022

કઠલાલમાં કોલેજમાં વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતમાં થયેલ બોલાચાલી મારામારી સુધી પહોંચી

કઠલાલ : કઠલાલ માં આવેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં  સોમવારના રોજ સવારના સમયે હર ઘર તિરંગા કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ વચ્ચે સામાન્ય બાબતમાં બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. જેમાં એક વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં બુધવારે  મૃત્યુ થયું છે. બનાવ અંગે કઠલાલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. 

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર કઠલાલમી કોલેજમાં સોમવારના રોજ સવારના સમયે હર ઘર તિરંગાનો કાર્યક્રમ રાખેલો હતો. આ કાર્યક્રમમાં શૈલેષ ઝાલા તથા તેના મિત્રો પ્રવીણસિંહ, મિતેશ તથા અન્ય મિત્રો ખુરશીઓમાં બેઠા હતા. જ્યારે તેમની પાછળ નીરવ ચૌહાણ (રહે. વાઘાવત) અને સાગર વ્યાસ (રહે.હલધરવાસ) બેઠેલા હતા અને આ લોકો ચાલુ પ્રોગ્રામમાં અવાજ કરતા હતા. જેથી પ્રોફેસર દ્વારા વિદ્યાર્થીઓને અવાજ નહીં કરવા ટકોર કરવામાં આવી હતી. જે અંગે શૈલેષ અને તેના મિત્રોએ પ્રોફેસરને જણાવેલું કે અમે અવાજ કરતા નથી પરંતુ પાછળ બેઠેલા નીરવ ચૌહાણ અવાજ કરે છે અને અપશબ્દ બોલે છે.  પ્રોગ્રામ પૂરો થતાં નિરવ ચૌહાણ તથા તેના મિત્ર કિશન દ્વારા શૈલેષ સાથે બોલાચાલી કરી હતી અને જતો રહ્યો હતો. જ્યારે ત્યારબાદ કોલેજ છૂટયા બાદ શૈલેષ ૧૨.૩૦ કલાકની આસપાસ કોલેજથી ચાલતો ચાલતો ફાટક પાસેથી પસાર થતો હતો. ત્યારે  નીરવ અને કિશન તથા અન્ય બે શખ્સો ત્યાં આવી કાર્યક્રમના ઝઘડાની રીસ રાખી શૈલેષ સાથે ગાળા ગાળી કરી હતી અને તમામ લોકો ભેગા થઈ શૈલેષને માર મારવા લાગ્યા હતા. તે દરમિયાન ત્યાંથી પસાર થતો શૈલેષનો મિત્ર રાહુલ ગોતાભાઇ પરમાર વચ્ચે પડી છોડાવવા જતા રાહુલ સાથેના નીરવ તથા અન્ય એક ભાઈએ નજીકમાંથી પથ્થર લઈ ફેટ પકડી શૈલેષને મારી રહ્યા હતા. જેથી રાહુલ વચ્ચે  પડી તેઓને છોડાવવા જઈ રહ્યો હતો ત્યારે તેઓ બોલી રહ્યા હતા મારા દીકરા નીરવનું નામ લીધું હતું જાનથી મારી નાખીશ અને ધમકી આપતા હતા. આ વખતે શૈલેષ અને રાહુલને વધારે પ્રમાણ વાગતા લોહી નીકળવાનું ચાલુ થયેલ અને તે સમયે અન્ય મિત્રો આવી જતા હુમલો કરનાર ચારેય લોકો ત્યાંથી ભાગી ગયા હતા. હુમલામાંં ઘવાયેલા રાહુલ અને શૈલેષને  કઠલાલ સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા. જ્યાં રાહુલ ને માથાના ભાગે વધુ થતાં તેને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલ જ્યાંથી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને માથાના ભાગે ફેક્ચર હોવાનું નિદાન થયું હતું અને તેની સારવાર ચાલુ હતી. આજ રોજ સવારેના સમયે રાહુલ ગોતાભાઇ પરમારનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. કઠલાલ પોલીસ દ્વારા શૈલેષ ઝાલાની ફરિયાદને આધારે નીરવ ચૌહાણ કિશનભાઇ, નીરવના પિતા તથા અન્ય એક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે.

(6:35 pm IST)