ગુજરાત
News of Thursday, 11th August 2022

વડોદરા જિલ્લાના વડું આરોગ્ય કેન્દ્રમાં સારવારના અભાવે બે જુડવા બાળકોના મૃત્યુ નિપજતા ચકચાર મચી જવા પામ્યો

વડોદરાઃ વડોદરા જિલ્લા પંચાયતની જનરલ મીટિંગમાં વિરોધપક્ષના સભ્યોએ વહીવટી તંત્ર પર માછલાં ધોયા હતા.તેમણે  ધ્વજ વંદનના કાર્યક્રમમાં કર્મચારીઓની હાજરી ફરજીયાત કરવા રજૂઆત કરી હતી.

વડોદરા જિલ્લા પંચાયતની આજે મળેલી જનરલ મીટિંગમાં વિરોધપક્ષના સભ્યએ વડુ આરોગ્ય કેન્દ્રમાં ગઇ તા.૭મીએ એક મહિલાના બે જોડિયા બાળકોના સારવારના અભાવે થયેલા મોતના બનાવ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને હજી સુધી આ  બનાવની તપાસ કરી કોઇ પગલાં લેવાયા નથી તેમ કહી કાર્યવાહી કરવા માંગણી કરી હતી.

જ્યારે,સાવલીના કોંગ્રેસના સદસ્યએ સરકારી અધિકારીઓ સરકારી કાર્યક્રમોમાં જ વ્યસ્ત હોય છે અને તેને કારણે ઓફિસોમાં કોઇ મળતું નથી તેમ કહી ગ્રામજનોને ભારે મુશ્કેલી પડતી હોવાની રજૂઆત કરી હતી.

વલણના કોંગ્રેસના સભ્યએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ખૂબ ઓછા કર્મચારીઓ હાજર રહેતા હોવાથી તેમની હાજરી ફરજીયાત કરવા રજૂઆત કરી હતી.તેમણે જિલ્લા પંચાયતના કાર્યપાલક એન્જિનિયર સભાઓમાં પણ હાજર રહેતા નથી અને તેમના પ્રતિનિધિ તરીકે તાબાના અધિકારીને મોકલી આપે છે તેમ કહી સભાનું અપમાન થતું હોવાનું કહ્યું હતું.તેમના વતી હાજર રહેતા ડે. એન્જિનિયર નિકુંજ દરજી પાસે જિલ્લાને લગતી માહિતી નહિં હોવાથી સભ્યોને કોઇ માહિતી મળતી નથી તેમ પણ કહ્યું હતું.

(6:36 pm IST)