ગુજરાત
News of Thursday, 11th August 2022

પરિવાર બહાર જતાં જ ચોરોએ ઘરને નિશાન બનાવ્યું : 1.80 લાખના સોના-ચાંદીના દાગીનાની કરી ચોરી

પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી ત્રણેય ચોરોને ઝડપી પાડી મુદ્દામાલ કબ્જે કર્યો : ચોરી બાજુની ધનમોરા સોસાયટીમાં જ રહેતા

સુરત તા.11 : સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા વાળીનાથ ચોક પાસે વિહાર સોસાયટી વિભાગ 1 માં રહેતા સુપરવાઈઝરના પત્ની પુત્ર સાથે કામ અર્થે સાંજે બહાર ગયા હતા ત્યાર બાદ પુત્ર માતાને ઘરે મૂકી પિતાને મળવા ગયો હતો ત્યારે તસ્કરો 1.79 લાખની મત્તા ચોરી ફરાર થયા હતા. ત્યાં ચોક પોલીસે ગણતરીના કલાકમાં ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

સુરતના ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી વિહાર સોસાયટીના શેષ કૃપા એપાર્ટમેન્ટમાં ચોરીની ઘટના સામે આવી હતી. શેષ કૃપા એપાર્ટમેન્ટમાં ભોગીલાલ પરિવાર સાથે રહે છે. જે સાત તારીખના રોજ પરિવાર સાથે બહાર ગયા હતા. તે દરમિયાન ચોરોએ ઘરને નિશાન બનાવ્યું હતું અને ઘરમાં ઘૂસીને 1.80 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં ભોગીલાલે તાત્કાલિક ચોક બજાર પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ચોરીની ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક સર્વેલન્સ સ્ટાફની ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. પોલોસને સીસીટીવી ફૂટેજ તપાસતા ત્રણ વ્યક્તિની શંકાશીલ હિલચાલ જોવા મળી હતી. જેથી બાતમીના આધારે પોલીસે ત્રણ આરોપી ઝડપી પાડી પૂછપરછ કરતાં તેમણે ગુનો કબૂલ્યો હતો. પોલીસે હર્ષદ પ્રજાપતિ, મિતેષ ઘોઘારી અને સતીશ ઘોઘારી નામના ત્રણેય આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ત્રણેય આરોપીની પૂછપરછ કરતાં હર્ષદ પ્રજાપતિ અગાઉ પાંચ ગુના આચરી ચૂક્યો હોવાનું ખુલ્યું છે. જેમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ચેન સ્નેચિંગ, વરાછા પોલીસ સ્ટેશનમાં ધાડ તેમજ મારામારીના ગુનામાં ઝડપાઇ ચૂક્યો છે. તેથી તેને તડીપાર કરાયો હતો અને તે ઝડપાઇ ગયો હતો. આ ત્રણેય આરોપી વિહાર સોસાયટીની બાજુમાં આવેલી ધનમોરા સોસાયટીમાં રહેતા હતા. હાલ પોલીસે ચોરીનો તમામ મુદ્દામાલ રિકવર કરી ત્રણેય ચોર સામે કાર્યવાહી શરૂ કરી છે.

 

(8:29 pm IST)