ગુજરાત
News of Monday, 12th April 2021

વેક્સિન માટે લાઈનમાં ઊભેલા લોકોને પાણીની બોટલો આપી

અમદાવાદ શહેર પોલીસે ફરી માનવતા દાખવી : કોરોનાની બીજી લહેરના કારણે ચિંતાનો માહોલ સર્જાયો

અમદાવાદ, તા. ૮ : દેશમાં કોરોનાની બીજી લહેરના કારણે ચિંતાનો માહોલ ઉભો થઈ ગયો છે. અનેક જિલ્લાઓમાં રાત્રી કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યા છે. ગુજરાત પણ બીજી લહેરથી બાકાત રહ્યું નથી અને હવે ગુજરાતમાં સરકારી આંકડા પ્રમાણે ૫ હજારથી વધુ કેસો કોરોનાના આવી રહ્યા છે. કેટલીક સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલોમાં બેડ પણ નથી. એવામાં કેટલાક કોરોનાથી સંક્રમિત થયેલા દર્દીઓને રેમડેસિવીર ઈન્જેકશનની જરૂરિયાત ઉભી થઈ છે. ચિંતાની વાત તો એ છે કે ઈન્જેકશન પણ પૂરતી માત્રામાં હાલ નથી. જેથી લોકો કલાકો સુધી લાઈનો લગાવી ઈન્જેકશન મેળવી રહ્યા છે.

અમદાવાદમાં ઝાયડ્સ હોસ્પિટલમાં આ ઈન્જેકશન આપવામાં આવી રહ્યા છે અને લોકો આખી રાત લાઈનમાં ઉભા રહી પોતાના પરિવારજનોને બચાવવા ઈન્જેકશન માટે ઉભા છે ત્યારે આટલી ગરમીમાં પણ લોકો ભૂખ્યા તરસ્યા રહીને પણ પોતાનો વારો ક્યારે આવશે તે માટે ઉભા છે. મોટી-મોટી લાઈનો હોવાથી પોલીસ પણ ત્યાં હાજર છે અને કોઈ બનાવ અથવા વ્યવસ્થા ખરાબ ના થાય તે માટે ફરજ બજાવી રહ્યા છે.

લોકોની આવી પરિસ્થિતિ જોઈને પોલીસ પણ રહી શકી નથી અને માનવતા દાખવીને લોકોને પાણીની બોટલો લાવીને પીવડાવી રહી છે અને લોકોને હિંમત આપવાનું કામ કરી રહી છે.

પોલીસનું કહેવું છે કે હાલ પરિસ્થિતિ સારી નથી જેથી તેમને પણ હિંમત મળે અને ગરમીમાં પરેશાની ના થાય તે માટે અમે પણ ઉભા છીએ.જોકે હાલ તો કોરોના વિસ્ફોટના કારણે તમામ લોકો ચિંતામાં મુકાઈ ગયા છે અને આ પરિસ્થિતિ પૂરી થાય તેની રાહ જોઈ રહ્યા છે.

(9:08 pm IST)