ગુજરાત
News of Monday, 12th April 2021

જિલ્લાના ડોક્‍ટરોને કોવિડ હેલ્‍થ સેન્‍ટર ચાલુ કરી વલસાડની જનતાનું ઋણ અદા કરવા જણાવતા કલેક્‍ટર આર.આર.રાવલ

કોરોના સંક્રમણની સ્‍થિતિમાં લોકોને સહાયભૂત થવા વલસાડ કલેક્‍ટરે ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશનને લખ્‍યો ૫ત્ર

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા કલેક્‍ટર આર.આર.રાવલે જિલ્લાના ડોકટરોનું પ્રતિનિધિત્‍વ કરતા ઇન્‍ડિયન મેડીકલ એસીસોનેશનના પ્રમુખને એક પત્ર લખીને વલસાડ અને વાપી ખાતે હાલની કોરોના સંક્રમણની સ્‍થિતિમાં લોકોને સહાયભૂત થવા તાત્‍કાલિક કોવિડ હેલ્‍થ સેન્‍ટર ઇન્‍ડિયન મેડીકલ એસોસીએશનના સહયોગથી ચાલુ કરવા અનુરોધ કર્યો છે.
શ્રી રાવલે વધુમાં જણાવ્‍યું છે કે, વલસાડ જિલ્લાના ડોકટરો પોતે પ્રતિષ્‍ઠિત અને આર્થિક રીતે સધ્‍ધર છે ત્‍યારે અન્‍ય સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓ જે રીતે માનવસેવામાં સહાયરૂપ થાય છે, તે જ રીતે જિલ્લાના લોકો માટે જિલ્લાના ડોકટરોએ પણ સ્‍વૈચ્‍છિક રીતે વલસાડ અને વાપી ખાતે કોવિડ હેલ્‍થ સેન્‍ટર કરવું એ એમની માનવીય ફરજ ગણાશે. વલસાડ જિલ્લાની જનતાનું ઋણ ચૂકવવાનો આ અવસર જિલ્લાના ડોકટરો ચુકી ન જાય એ જોવા કલેક્‍ટરશ્રી રાવલે ડોકટરોને નમ્ર અનુરોધ કર્યો છે.

(9:10 pm IST)