ગુજરાત
News of Saturday, 12th June 2021

એકતાનું રણશિંગુ ફુંકાયું: કડવા-લેઉવા નહિ માત્ર પાટીદાર લખાશેઃ ર૦રરમાં મુખ્યમંત્રી પાટીદાર હોય તેવી સમાજની ઇચ્છા

ખોડલધામ પાટીદાર સમાજના આગેવાનોની બેઠકમાં સમાજની નવી ઓળખ ઉભી કરવા નિર્ણયઃ લેઉવા-કડવાનો ભેદ દૂર : ચૂંટણીમાં પાટીદારો સામસામા ન લડે તેના ઉપર ભાર મૂકાશેઃ સંગઠનને મજબુત કરવા બેઠકમાં નિર્ણયઃ રાજકારણમાં આગળ પડતા પાટીદારોને મદદ થશેઃ સમગ્ર વિશ્વના પાટીદારોનું એક ફેડરેશન બનાવવા નિર્ણય

રાજકોટ, તા. ૧૨ :. આજે સવારથી રાજકોટ જિલ્લાના જેતપુર નજીક આવેલા કાગવડ-ખોડલધામ ખાતે ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજના આગેવાનોની મિટીંગ મળી હતી. જેમાં અનેકવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં હવેથી લેઉવા પટેલ અને કડવા પટેલ નહિ પરંતુ માત્ર 'પાટીદાર'  તરીકે જ બન્ને સમાજની ઓળખ થશે અને ૨૦૨૨માં પાટીદાર સમાજમાંથી મુખ્યમંત્રી આવે તેવી ઈચ્છા પણ વ્યકત કરવામાં આવી હતી.

આ મીટીંગમાં એકતાનુ રણશીંગુ ફુંકાયુ છે. હવે કડવા-લેઉવા નહિ માત્ર પાટીદાર તરીકે જ સૌની ઓળખ મળે તે માટે બધી જગ્યાએ પાટીદાર શબ્દ જ લખાશે. ચૂંટણીમા પણ પાટીદારો સામસામા ન લડે તે માટે ભાર મુકાશે. પાટીદાર સમાજના સંગઠનને વધુ મજબુત કરવા આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકારણમાં આગળ પડતા પાટીદારોને મદદ કરવામાં આવશે અને લેઉવા પટેલ - કડવા પટેલનો ભેદ દૂર કરીને સૌ સાથે મળીને કામગીરી કરીને સમાજને ઉંચા સ્થાન પર લઈ જશું.

ખોડલધામ ખાતે આજે સવારે મીટીંગ શરૂ થઈ હતી. જેમાં રાજકીય, સામાજિક, શૈક્ષણિક અને ધાર્મિક સહિતની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. જેમા લેઉવા પટેલ અને કડવા પટેલ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સમાજ વધુ સંગઠીત બને તે દિશામાં કાર્ય કરવા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

મીટીંગનું સવારથી બપોરનું પ્રથમ ચરણ પૂર્ણ થયા બાદ ખોડલધામના પ્રણેતા નરેશભાઈ પટેલે પત્રકારો સાથે વાતચીત કરી હતી. જેમાં જણાવ્યુ હતુ કે જુદા જુદા ક્ષેત્રમાં પાટીદાર સમાજ સેવા આપે છે અને અનેક ઉચ્ચ સ્થાનો ઉપર પાટીદાર સમાજના આગેવાનો મોભાનું સ્થાન ધરાવે છે. દરેક સમાજ એવુ ઈચ્છે કે તેના સમાજમાંથી મુખ્યમંત્રી બને. પાટીદાર સમાજ પણ એવુ ઈચ્છે છે કે, આવનારી વિધાનસભાની ચૂંટણી બાદ મુખ્યમંત્રી અમારા સમાજમાંથી બને.

નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે પાટીદાર સમાજની ૫ મોટી સંસ્થાઓ ઉપરાંત વિશ્વની પાટીદાર સમાજની અલગ અલગ સંસ્થાઓને એક સાથે જોડીને ફેડરેશન બનાવવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. પાટીદાર સમાજ હજુ પણ વધુ પ્રગતિના પંથે આગળ વધે તે દિશામાં કામગીરી કરવામાં આવશે.

નરેશભાઈ પટેલે વધુમા જણાવ્યુ હતુ કે, રાજકીય કે સામાજિક રીતે જોડાયેલા પાટીદાર સમાજના લોકો સૌને મદદ કરે અને એક તાકાતથી પાટીદાર સમાજનો વિકાસ થાય તેમજ સૌને તેનો લાભ મળે તે દિશામાં આગળ વધીશું. સંગઠનને કેવી રીતે મજબૂત કરવુ અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે ? તે અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. સાથોસાથ પાટીદારના સમાજના વિકાસ અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી છે.

નરેશભાઈ પટેલે વધુમાં જણાવ્યુ હતુ કે જરૂર પડયે ચૂંટણીમાં સારા ઉમેદવારોને ટેકો આપીશું. ચૂંટણીમાં સામસામા ઉમેદવારો રાખવાના બદલે પાટીદારના જ ઉમેદવાર કેવી રીતે વિજેતા બને છે તે માટે સૌ સાથે મળીને કામગીરી કરીશું. રાજ્યમાં આવેલા વાવાઝોડાને લઈને નરેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને થયેલા નુકશાન અંગે સરકારમાં પાટીદાર સમાજ રજૂઆત કરશે.

ખોડલધામ ખાતે પાટીદાર અગ્રણી ભીમજીભાઈ નાકરાણીએ જણાવ્યુ હતુ કે નવા મુખ્યમંત્રી પાટીદાર જ હશે હવે પાટીદાર સમાજ પાસે કેશુબાપા જેવા મજબૂત નેતા નથી તેમજ ત્રીજા પક્ષને લઈને પણ ભીમજીભાઈએ ચિંતા વ્યકત કરી હતી.

ખોડલધામ ખાતે બપોર બાદ બીજા ચરણમાં મીટીંગ મળશે. જેમાં જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા-વિચારણા કરવામાં આવશે.

આર.પી. પટેલે જણાવ્યુ હતુ કે કોરોના સંકટ વચ્ચે ભાંગી પડેલા ઉદ્યોગો અને તેને લઈને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત એક વર્ષથી ખાલી પડેલ ગુજરાત બીનઅનામત આયોગના ચેરમેનની વરણી અંગે ચર્ચા થઈ હતી.

આ મીટીંગમાં વિશ્વ ઉમિયાધામ, ઉમિયાધામ-ઉંઝા, સરદારધામ, ઉમિયાધામ-સિદસરના પ્રમુખો હાજર રહ્યા હતા. નરેશભાઈ પટેલ ઉપરાંત આર.પી. પટેલ, દિલીપભાઈ પટેલ નેતાજી, જેરામભાઈ વાંસજાળીયા, મૌલેશભાઈ ઉકાણી (બાન લેબ્સ), મથુરભાઈ સવાણી, ગગજીભાઈ સુતરીયા, લવજીભાઈ બાદશાહ, દિપકભાઈ પટેલ, ડી.એન. ગોલ, દિનેશભાઈ કુંભાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:21 pm IST)