ગુજરાત
News of Saturday, 12th June 2021

કોરોનાની બીજી લહેર પછી

અમદાવાદની ૭૦% વસ્તીમાં એન્ટીબોડી વિકસિત થઈ

૧૫૦૦૦થી વધારે અમદાવાદીઓ પર કરવામાં આવ્યો સીરોઃ મેના અંતિમ સપ્તાહ અને જૂનની શરુઆતમાં થયો હતો સર્વેઃ માસ્ક અને રસીકરણ કોરોનાની આગામી લહેરથી બચાવી શકશે

અમદાવાદ, તા.૧૨: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે મહિનાના અંતિમ સપ્તાહમાં તેમજ જૂનની શરુઆતમાં કરવામાં આવેલા એક પાંચમા સર્વેમાં જાણવા મળ્યું છે કે, કોરોનાની ઘાતક બીજી લહેર પછી અમદાવાદમાં લગભગ ૭૦ ટકા વસતીમાં SARS-CoV2 એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. એએમસી દ્વારા કરવામાં આવેલા આ સર્વેમાં ૧૫,૦૦૦થી વધારે અમદાવાદીઓએ ભાગ લીધો હતો.

ફેબ્રુઆરી, ૨૦૨૧માં કરવામાં આવેલા ચોથા સીરો-સર્વેમાં જાણવા મળ્યુ હતું કે શહેરના માત્ર ૨૮ ટકા લોકોની કોરોના વિરુદ્ઘ એન્ટીબોડી વિકસિત થઈ છે. જયારે જૂન, ૨૦૨૦માં પહેલો સીરો-સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે જાણવા મળ્યુ હતું કે માત્ર ૧૮ ટકા લોકોમાં એન્ટીબોડી વિકસિત થઈ છે. ઉલ્લેખનીય છે કે ૨૫મી એપ્રિલ, ૨૦૨૧ના રોજ અમદાવાદ શહેરમાં કેસની સંખ્યા વધીને ૫૭૯૦ થઈ ગઈ હતી, જે પાછલા વર્ષે દિવાળી પછી નવેમ્બર ડિસેમ્બરમાં આવેલી લહેરની સરખામણીમાં ૧૬ ગણી વધારે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, એન્ટીબોડી વધારે પ્રમાણમાં વિકસિત થઈ છે તેનો અર્થ છે કે ડેલ્ટા વેરિયન્ટ B.617.2ના સંક્રમણનું જોખમ વધારે છે અને અમદાવાદમાં મોટા ભાગના કેસમાં આ વેરિયન્ટ જોવા મળ્યો હતો. સિનિયર સ્ટેટ હેલ્થ ઓફિસર જણાવે છે કે, એએમસી દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા સર્વેના પ્રાથમિક પરિણામોમાં જાણવા મળ્યું છે કે અમદાવાદની ૭૦ ટકા થી વધારે વસતીમાં વાઈરસ વિરુદ્ઘ એન્ટીબોડી વિકસિત થઈ ગઈ છે. એએમસીના સ્વાસ્થ્ય વિભાગના નિષ્ણાંતો દ્વારા આ ડેટાનું વધારે ઝીણવટપૂર્વક વિશ્લેષણ કરવામાં આવશે.

સ્વાસ્થ્ય અધિકારી આગળ જણાવે છે કે, કોરોનાની બીજી કોઈ લહેર આવે તેની સામે લડવા માટે રસીકરણ અને માસ્ક શહેરના પ્રાથમિક હથિયાર હોવા જોઈએ. ડેલ્ટા વેરિયન્ટનો સામનો કર્યા પછી અમદાવાદીઓએ અન્ય કોઈ પણ શકયતાને હળવાશમાં ના લેવી જોઈએ. કોઈ પણ વેરિયન્ટનો સામનો કરવો પડે તેના માટે આપણે તૈયાર રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે ઓકટોબર ૨૦૨૦માં જયારે અમદાવાદમાં સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે તેનું પ્રમાણ ૨૪.૨૦ ટકા હતું. ત્યારપછી ઓગષ્ટમાં જયારે સર્વે કરવામાં આવ્યો ત્યારે ઘટીને ૨૩.૨૪ ટકા હતું. પાછલા સર્વેના રિપોર્ટ્સમાં એએમસીના અધિકારીઓએ જણાવ્યુ હતું કે, થોડા અઠવાડિયા પછી કોરોનાની એન્ટીબોડી ગાયબ થઈ જાય છે.

(4:23 pm IST)