ગુજરાત
News of Saturday, 12th June 2021

વડોદરામાં ભુગર્ભ ગટરની સફાઇ રોબોટ દ્વારા થશે

સફાઇ કામગીરીને આ રોબોટિક કલીનીંગ મશીન દ્વારા વધુ સરળ, ઝડપી, સુરક્ષિત તેમજ આધુનિક ટેકનોલોજીના માધ્યમથી 'સ્વચ્છ ભારત મિશન' અંતર્ગત સેનિટેશનની કામગીરી સુવિધાસભર બનશે : ગુજરાત સી.એસ.આર. ઓથોરિટીના પ્રવર્તમાન કાર્યક્રમ હેઠળ જીયુવીએનએલ દ્વારા આ સૌરઉર્જા સંચાલિત રોબોટિક મશીન તેમજ તેને વહન કરવા ઇલેકટ્રિક ગાડી અપાયેલ છે

વડોદરા,તા. ૧૨ : ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ દ્વારા આજરોજ વડોદરા ખાતે વડોદરા મહાનગરપાલિકાને ડ્રેનેજ ચેમ્બરની સફાઇ કામગીરી ટેકનોલોજીના ઇનોવેશન થકી વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત રીતે થાય તેવા આશ્યથી અદ્યતન ટેકનોલોજીની સજ્જ સૌરઉર્જા સંચાલિત રોબોટિક કલીનીંગ મશીન તથા તેના વહન માટે ઇલેકટ્રીક ગાડી ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.

આજરોજ તા. ૧૧જૂન, ૨૦૨૧ના રોજ આ રોબોટિક કલીનીંગ મશીન જીયુવીએનએલના મેનેજીંગ ડાયરેકટર શ્રીમતી શાહમીના હુસેન, આઇ.એ.એસ.ના હસ્તે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના એડી.સીટી એન્જીન્યર શ્રી શૈલેષ નાયકને સુપ્રત કરવામાં આવેલ. આ પ્રસંગે બંને મહાનુભાવો ઉપરાંત ગુજરાત સી.એસ.આઇ ઓથોરિટીના પ્રતિનિધિ, જીયુવીએનએલ કંપની સેક્રેટરી શ્રી પાર્થિવ ભટ્ટ તેમજ આ રોબોટિક મશીન બનાવનાર કલબ ફર્સ્ટ રોબોટિકસના મેનેજીંગ ડાયરેકટરશ્રી ભુવનેશ મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.

આ મશીન થકી 'સ્વચ્છ ભારત મિશન' હેઠળ કાર્યરત સેનિટેશનની કામગીરીને વધુ વેગ મળશે તેમજ ડ્રેનેજ અને ગટર ચેમ્બરની સફાઇ કામગીરી જૂની પ્રણાલિકાને બદલે આધુનિક મશીન વડે ખૂબ આસાનીથી, ઝડપી અને ચોકસાઇ સાથે વધુ સુરક્ષિત બની રહેશે. આ રોબોટિક કલીનીંગ મશીન જયપુર સ્થિત કલબ ફર્સ્ટ રોબોટિકસ પ્રા. લી. દ્વારા 'મેઇક ઇન ઇન્ડીયા' અંતર્ગત બનાવવામાં આવેલ છે. જેનું નામ ઝેના ૬.૦ આપવામાં આવેલ છે.

આ મશીન સૌર ઉર્જા સંચાલિત બેટરી તેમજ કેમેરાથી સજ્જ કરેલ છે. જેથી તે દરેક વાતાવરણમાં કામ કરવા સમક્ષ વોટરપ્રુફ, એક વખત ચાર્જ કર્યા બાદ સાત દિવસ સુધી કામ લઇ શકાય, ૧પ મીટર ઊંડે ડ્રેનેજ ચેમ્બરમાં જઇ ૧૦૦ કિલો સુધીનો કચરો ભેગો કરી તેને ચેમ્બરમાં એકઠો કરી સફાઇ કરી શકે છે. આ ઉપરાંત આ મશીનમાં ૧ર અલગ અલગ પ્રકારના હાનિકારક ગેસને ઓળખી શકવાના સેન્સર લગાવવામાં આવેલ છે. જેથી ડ્રેનેજ ચેમ્બરના કામ દરમ્યાન સફાઇ કામગીરી વધુ સુરક્ષિત રીતે થશે. સદર મશીનમાં લગાવવામાં આવેલ અલ્ટ્રા એચ. ડી. કેમેરાથી રાત્રે પણ સફાઇ કામગીરી હાથ ધરી શકાશે ઉપરાંત જી. પી. એસ. અને જી. એસ. એમ. ટેકનોલોજીથી હોવાથી આ મશીનને કોઇપણ જગ્યાએથી ટ્રેક પણ કરી શકાય છે.

(4:24 pm IST)