ગુજરાત
News of Saturday, 12th June 2021

વસ્ત્રાપુરમાં એસીપીના ઘરમાં થયેલ લાખોની ચોરીનો ભેદ ઉકેલવા ક્રાઇમ બ્રાન્ચે 200 CCTV કેમેરા ચકાસ્યા :ત્રણ આરોપીઓ ઝડપ્યા

ચોરી કરવામાં સરકારી વસાહતમાં કામ કરતા કર્મીની સંડોવણી: સોનાના 4.97 લાખના દાગીના, જર્મન સિલ્વરના ગ્લાસ અને 6.50 લાખ રોકડ સહિતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો ફોટો cctv

અમદાવાદ :શહેરના વસ્ત્રાપુર ખાતે રહેતા એસીપીના ઘરમાં લાખોની ચોરી થતા ચર્ચાનો વિષય બની ગયો હતો. આરોપીઓને શોધખોળ માટે ક્રાઈમ બ્રાન્ચે 200 જેટલા સીસીટીવી તપાસી 3 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે, ચોરી કરવામાં સરકારી વસાહતમાં કામ કરતા કર્મીની સંડોવણી સામે આવી છે.

અમદાવાદના વસ્ત્રાપુર સરકારી વસાહતમાં રહેતા એસીપીના ઘરમાંથી લાખોની ચોરીનો શહેર ક્રાઈમ બ્રાંચે ભેદ ઉકેલી 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે 200 જેટલા સીસીટીવી ચકાસીને તેમજ અનેક શકમંદોની પૂછપરછ કરી હતી. જે તપાસમાં ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે અગાઉ ઘરફોડ ચોરી અને ચેઇન સ્નેચિંગના ગુનામાં પકડાયેલો આસિફ શેખ પોતાના સાગરીતો સાથે મકરબામાં ઓટો રિક્ષામાં આ ચોરીનો મુદ્દામાલને વેચવા નીકળ્યો છે. જેથી ક્રાઈમની ટીમે જયદીપસિંહ વાઘેલા, આસિફ શેખ તેમજ જગદીશ ચૌહાણ નામના 3 ઈસમોની ધરપકડ કરીને સોનાના 4.97 લાખના દાગીના, જર્મન સિલ્વરના ગ્લાસ થતા 6.50 લાખ રોકડ સહિતનો ચોરીનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

જો કે, આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યું છે કે, આરોપી જયદીપસિંહ વાઘેલા સરકારી વસાહતમાં મેઇન્ટેનન્સનું કામ કરતો હોવાથી તેને ફ્લેટના ક્યા મકાન ક્યારે ખાલી હોય છે, કયા અધિકારી ક્યારે બહાર જાય છે તેની જાણ હતી. જેથી તેને અન્ય બે આરોપીઓ સાથે મળીને એસીપીના ઘરમાં જ્યારે કોઈ ન હતું ત્યારે ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો. તેમજ છેલ્લા ઘણા દિવસોથી તેઓ સરકારી વસાહતમાં રેકી કરતા હતા અને મોકો મળતા જ ચોરીને અંજામ આપ્યો હતો

(7:32 pm IST)