ગુજરાત
News of Saturday, 12th June 2021

ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણનો માર્ગ મોકળો : સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારો કર્યો

રાન્ટેડ કોલેજોના અધ્યાપકો રોષે ભરાયા : હવે ગ્રાન્ટેડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટી સાથે જોડી શકાશે.

અમદાવાદ : આગામી સમયમાં રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોને તાળાં લાગી શકે છે. સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એકટમાં સુધારો કરતા ગ્રાન્ટેડ કોલેજોના ખાનગીકરણનો માર્ગ મોકળો થયો છે. સરકારે રાતોરાત એકટમાં સુધારો કરતા ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકો રોષે ભરાયા છે. સરકારે કરેલા સુધારથી હવે ગ્રાન્ટેડ કોલેજોને પણ ખાનગી યુનિવર્સિટી સાથે જોડી શકાશે.

રાજ્ય સરકારે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ 2009માં રાતોરાત સુધારો કરતા વિવાદ થયો છે. 2011માં સરકારે ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ના જોડવા માટે એકટમાં સુધારો કર્યો હતો. જેના કારણે ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટી સાથે જોડી શકાતી નહોતી. પરતું મે 2021માં સરકારે 2011માં કરેલો સુધારો રદ્દ કરી નાખ્યો છે. જેના કારણે હવે ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડવાનો માર્ગ મોકળો થયો છે.

સરકારે કરેલા આ સુધારા સામે ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ વિરોધ કર્યો છે. અધ્યાપકોની માંગ છે કે સરકારે કરેલો સુધારો તાત્કાલિક પરત ખેંચવો જોઈએ. ગુજરાત અધ્યાપક મહામંડળ દ્વારા આ બાબતે રાજ્યપાલને પત્ર લખી ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ના જોડવા રજુઆત કરી છે.

રાજ્યમાં 365 જેટલી ગ્રાન્ટેડ આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોલેજો કાર્યરત છે. સરકારે એકટમાં સુધારો કરતા ગ્રાન્ટેડ કોલેજોને તાળાં લાગશે અને ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં જોડવા હિલચાલ શરૂ થઈ છે. ગ્રાન્ટેડ કોલેજોમાં 500 રૂપિયાથી લઈ 1500 રૂપિયા સુધીની જ ફી લેવામાં આવે છે. જો ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડવામાં આવે તો પ્રાઇવેટ યુનિવર્સિટી દ્વારા મોટી ફી લેવામાં આવશે.

આ અંગે કોંગ્રેસે માંગ કરી છે કે ગુજરાતની ભાજપ સરકાર ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીઓને આપવાનું બંધ કરે. સરકાર ગ્રાન્ટેડ કોલેજોની ખાનગી યુનિવર્સિટીઓ સાથે ગોઠવણ કરવા માંગતી હોય તો અત્યાર સુધી યુજીસી અને સરકારે આપેલી ગ્રાન્ટ સરકાર પોતાની હસ્તક લઈ લે અને સરકાર પોતે એ કોલેજો ચલાવે તેવી માંગ કોંગ્રેસે કરી છે. ગ્રાન્ટેડ કોલેજોનું કોઈપણ સંજોગોમાં ખાનગીકરણ ન થઈ શકે.

ગ્રાન્ટેડ કોલેજોમાં હાલ રાહતદરે શિક્ષણ આપવામાં આવે છે. જો ગ્રાન્ટેડ કોલેજોને પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે જોડવામાં આવશે તો વિદ્યાર્થીઓને ઉંચી ફી ભરવી પડશે. ગ્રાન્ટેડ કોલેજોમાં નોકરી કરતા અધ્યાપકો અને અન્ય કર્મચારીઓની નોકરી બાબતે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

જો ગ્રાન્ટેડ કોલેજને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જોડવામાં આવે તો અધ્યાપકો અને કર્મચારીઓની નોકરી, કામનું ભારણ, રિટાયરમેન્ટ, રજાઓ વગેરેના પ્રશ્નો ઉભા થશે.જેને લઈને આ સુધારા સામે અધ્યાપકો વિરોધ કરી રહ્યા છે. અને સરકારે કરેલો સુધારો પરત ખેંચવા માંગ કરી રહ્યાં છે.

(11:20 pm IST)