ગુજરાત
News of Monday, 12th July 2021

સુરતમાં સાંજે મુખ્યમંત્રીએ બ્રિજનું લોકાર્પણ કરી શોભા વધારી : રાત સુધીમાં લોકોએ પીચકારી મારી શોભા બગાડી

સુરતમાં પાલ-ઉમરાને જોડાતા બ્રિજનું વિજયભાઈના હાથ લોકાર્પણ થયું : સાંજ સુધીમાં ૧ લાખથી વધારે લોકોએ બ્રિજની મુલાકાત લીધી

સુરત : સુરતમાં ગતરોજ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સુરતમાં પાલ અને ઉમરાને જોડતા બ્રિજનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ સીએમની ગાડી પુલના બીજા છેડે પહોંચી જ હતી કે લોકો બ્રિજની મુલાકાત લેવા માટે ઉમટી પડ્યા હતા. એક અંદાજ પ્રમાણે સાંજે ચાર વાગ્યે લોકાર્પણ થયા બાદ રાત સુધી એક લાખથી વધારે લોકો આ બ્રિજની મુલાકાતે આવ્યા હતા. લોકાર્પણની સાથે જ લોકો પરિવાર સાથે આ બ્રિજ ઉપર ફરવા નીકળી પડ્યા હતા. લોકો લાંબા સમયથી બ્રિજ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા. ગણતરીના કલાકોમાં આ બ્રિજ ઉપર જોખમી સેલ્ફી લેવા માટે લોકોએ પડાપડી કરી હતી. આ સાથે જ બ્રિજ ઉપર પાનની પીચકારીઓ મારીને શહેરની શોભા બનેલા બ્રિજને લોકોએ ગંદો કર્યો હતો.

 સુરતીઓ આમ તો ખાવાપીવા અને ફરવા માટે વિશ્વમાં જાણીતા છે. સુરતમાં કોઈ પણ બ્રિજ બને ત્યારે લોકાર્પણની ગણતરીની કલાકોમાં જ લોકો પરિવાર સાથે અહીં આવી પહોંચતા હોય છે. પાલ-ઉમરા બ્રિજનું ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ કરતાની સાથે જ લોકો પરિવાર સાથે આ બ્રિજ ઉપર ફરવા નીકળી પડ્યા હતા.

 રવિવાર ઉપરાંત આ બ્રિજ પાલ અને ઉમરા એટલે કે ડુમસ રોડને જોડતો હોવાથી લોકો મોટી સંખ્યામાં પરિવાર સાથે બ્રિજ પર ફરવા નીકળે પડ્યાં હતાં. લોકોએ લોકાર્પણની સાથે જ બ્રિજને પિકનિક પોઇન્ટ જાહેર કરી નાખ્યો હતો! બ્રિજના ઉદ્ઘાટનની ગણતરીની કલાકોમાં જ લોકો પરિવાર સાથે બેઠેલા અને જોખમી સેલ્ફી લેતા પણ જોવા મળ્યા હતા.

 બ્રિજનું ઉદ્ઘાટન કરીને તંત્ર દ્વારા શહેરની શોભા વધારવાનું કામ કર્યું હતું પરંતુ સુરતીઓએ બ્રિજ પર પહોંચીના પાનની પીચકારી મારીને બ્રિજને ગંદો કર્યો હતો. આ ઉપરાંત નાસ્તો કરીને કાગળ તેમજ ખાલી પેકેટ પણ બ્રિજ પર જ ફેંક્યા હતા. એક તરફ સુરત શહેરના સુંદર શહેરનું બિરુદ મળ્યું છે ત્યારે બીજી તરફ લોકો આ રીતે શહેરની શોભા ઓછી કરવાનું કામ કરી રહ્યા છે.

 ઉલ્લેખનીય છે કે આજથી ચાર વર્ષ પહેલા તાપી નદી પર કેબલ બ્રિજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજનું સવાર ૧૦ વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, સાંજ થતાની સાથે સાથે જ બ્રિજના બંને છેડા પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. ત્યારે પણ આ જ રીતે લોકો બ્રિજ પર ઉમટી પડ્યા હતા.

(1:05 pm IST)