ગાંધીનગર નજીક પસાર થતી સાબરમતી નદીમાં ન્હાવા પડેલ બે યુવાનો ડૂબ્યા:એકનો આબાદ બચાવ:અન્યની શોધખોળ શરૂ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીકથી પસાર થતી સાબરમતી નદીમાં આજે બપોરના સમયે દોલારાણા વાસણા ગામ પાસે ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા હતા જો કે, દોલારાણા વાસણા ગામના યુવાનને સ્થાનિકોએ બચાવી લીધો હતો જ્યારે નદીના પાણીમાં ડૂબેલા માણસાના વેડા ગામના યુવાનની શોધખોળ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે.
ગાંધીનગર શહેર નજીક પસાર થતી સાબરમતી નદીમાં હાલ ઉપરવાસમાંથી પાણી આવ્યું નથી પરંતુ અહીં પડેલા વરસાદના કારણે નદીના ખાડાઓમાં પાણી ભરાયા છે જે સ્થાનિક ગ્રામજનો માટે ખુબ જ જોખમી સાબીત થઇ રહ્યા છે. આવા પાણીના ખાડામાં ન્હાવા માટે જવું પણ જોખમકારક અને જીવલેણ હોવા છતા દોલારાણા વાસણા પાસે સાબરમતી નદીમાં આજે બપોરના સમયે બે યુવાનો નાવા પડયા હતા જેમાં દોલારાણા વાસણા ગામના ૨૫ વર્ષિય યુવાન ઘનાજી જુહાજી ઠાકોરને સ્થાનિકો દ્વારા બચાવી લેવામાં આળ્યો હતો.
જ્યારે માણસા તાલુકામાં વેડા ગામમાં રહેતા અને ખેતમજુરી કરતા આશરે ૪૦ વર્ષિય ફુલાજી ઠાકોરનો હજી સુધી કોઇ પતો લાગ્યો નથી જેથી તંત્ર દ્વારા તેની શોધખોળ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા ગાંધીનગર મામલતદાર સહિતના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.