સુરતની સચિન જીઆઈડીસીમા જનરલ મેનેજરના પત્નીને પોલીસના સ્વાંગમાં આવી બે ગઠિયા 90 હજારની ચાર બંગડી સેરવી ફરાર
સુરત:સચીન જીઆઇડીસી સ્થિત ખાનગી કંપનીના જનરલ મેનેજરના વૃદ્ધ પત્ની ગતસાંજે દૂધ લેવા જતા હતા ત્યારે પોલીસના સ્વાંગમાં બે ગઠીયા રૂ.90 હજારની સોનાની ચાર બંગડી સેરવી ફરાર થઈ ગયા હતા.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ પુણેના વતની સુધીરભાઈ કેલકર હાલ સુરતમાં સચીન જીઆઇડીસી સ્થિત ડી.જી.ડી.સી કંપનીમાં જનરલ મેનેજર તરીકે નોકરી કરે છે અને પત્ની સ્નેહલબેન ( ઉ.વ.62 ) સાથે કંપનીના ગેસ્ટ હાઉસ યમુના બિલ્ડીંગના ફ્લેટ નં.2 માં રહે છે. સ્નેહલબેન ગતસાંજે 4.15 ના અરસામાં કાપડની થેલી લઈ નજીકના રામદેવ સ્ટોલમાં દૂધ લેવા જતા હતા ત્યારે ડાયમંડ પાર્ક ગેટ પાસે આવેલી પાર્ક પબ્લીક સ્કુલ પાસે સફેદ શર્ટ પહેરેલા યુવાને તેમની પાસે આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી હતી. તમે સિનિયર સીટીઝન છો, અમારા સાહેબ ત્યાં ઉભા છે તમને બોલાવે છે તેમ કહી તે સ્નેહલબેનને થોડે દૂર કાળો શર્ટ અને ટોપી પહેરેલા અજાણ્યા યુવાન પાસે લઈ ગયો હતો. તે યુવાને અહીં ચેઇન સ્નેચીંગ થાય છે, અમે તપાસમાં છીએ તેમ કહી સ્નેહલબેનને તમે સિનિયર સીટીઝન છો તો ઘરેણાં પહેરી બહાર ન જોઈએ તેમ કહ્યું હતું.