ગુજરાત
News of Saturday, 13th February 2021

નશીલી દવા આપી પતિ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચરતો હતો

ઘાટલોડિયાની પરીણિતાની સ્યુસાઈડ નોટમાં ઘટસ્ફોટ : મંગળવારે ઝેર ગટગટાવી આત્મહત્યા કરનાર મહિલાએ સાથળ પર કારણ લખ્યુંં, ૧૮ પાનાની સ્યુસાઈડનોટ મળી

અમદાવાદ, તા. ૧૨ : ઘાટલોડિયામાં એક ડોક્ટરની પત્નીએ કરેલી આત્મહત્યાએ શહેરમાં ચર્ચા જગાવી છે. ડોક્ટરની પત્નીએ આત્મહત્યા કરતા પહેલા પોતાની સાથળ પર આત્મહત્યાનું કારણ લખ્યું હતું અને પોતાની આત્મહત્યા માટે પતિને જવાબદાર ગણાવ્યો હતો. જોકે, હવે તેણે લખેલી ૧૮ પાનાની સુસાઈડ નોટ મળી છે જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ઘાટલોડીયાના ઓર્થોપેડિક ડોક્ટર હિતેન્દ્ર પટેલ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરી છે. ડોક્ટરના પત્ની હર્ષા પટેલની સુસાઈડ નોટમાં ઘણી ચોંકાવનારી અને આઘાતજનક બાબતો લખી છે. પત્ની સુસાઈડ નોટમાં લખ્યું છે કે ડોક્ટર હિતેન્દ્ર નશીલી દવાના ઈન્જેક્શન આપીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો. આ ઉપરાંત તેમની નણંદ પણત્રાસ આપતી હોવાનો ઉલ્લેખ કર્યો છે.

૩૯ વર્ષીય હર્ષા પટેલ અને હિતેન્દ્રના લગ્ન ઓગસ્ટ ૨૦૨૦મા થયા હતા. પોલીસે જણાવ્યું હતું કે હર્ષા પટેલે પોતાના જમણા પગના સાથળ પર આત્મહત્યાનું કારણ લખ્યું હતું. હર્ષા પટેલે ઘાટલોડીયામાં આવેલા દેવકુટીર બંગલોમાં મંગળવારે ઝેર પીને આત્મહત્યા કરી હતી. પોલીસને બાદમાં તેમના ઘરમાંથી૧૮ પાનાની સુસાઈડ નોટ મળી હતી.

પોતાની સુસાઈડ નોટમાં હર્ષા પટેલે લખ્યું છે કે હિતેન્દ્ર દરરોજ બળજબરીથી સેક્સ માણતો હતો અને તેની સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. હિતેન્દ્ર એક ડોક્ટર છે તેથી તે મને દરરોજ નશીલી દવાના ઈન્જેક્શન આપતો હતો જેથી હું અર્ધબેભાન અવસ્થામાં રહેતી હતી. બાદમાં તે મારી સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતો હતો.

આ ઉપરાંત તેમણે પોતાના સાસુ-સસરા અને નણંદ સામે પણ આક્ષેપો કર્યા છે. હર્ષા પટેલે લખ્યું છે કે તેના સાસુ-સસરા અને નણંદ દહેજ પેટે ૨૫૦ ગ્રામ સોનાની માંગણી કરી હતી અને પોતાના પિતાના ઘરેથી પૂરતા રૂપિયા ન લાવી હોવાથી તેના પર ત્રાસ ગુજારતા હતા. ઘાટલોડિયા પોલીસમાં નોંધાયેલી એફઆરઆઈ પ્રમાણે હર્ષા પટેલ ઓઢવની મંગલમ સોસાયટીમાં રહેતા હતા અને તેમણે ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ ડોક્ટર હિતેન્દ્ર પટેલ સાથે લગ્ન કર્યા હતા.

હર્ષાના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રીના છૂટાછેડા થયા હતા અને હિતેન્દ્રના પણ છૂટાછેડા થઈ ગયા હતા. તેઓ બંને મેટ્રીમોનિયલ વેબસાઈટ દ્વારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. લગ્ન બાદ હિતેન્દ્ર અને તેનો પરિવાર નાની-નાની બાબતોમાં તેમની પુત્રી પર ત્રાસ ગુજારતા હતા.

તેની સુસાઈડ નોટમાં તેણે લખ્યું છે કે તેના સાસુ અને સસરા તેને ત્રાસ આપતા હતા અને તે ભુયંગદેવ ખાતે પોતાના પતિની ક્લિનિક પર ગઈ હતી અને સાસુ-સસરાની ફરિયાદ કરતા હિતેન્દ્રએ તેને ત્યાંથી તેને કાઢી મૂકી હતી. હર્ષાના પિતા નાનજી પટેલે જણાવ્યું હતું કે ડિસેમ્બરમાં હિતેન્દ્રએ પોતાની પુત્રીને કાઢી મૂકી હતી અને ત્યારથી તે તેમની સાથે જ રહેતી હતી.

મંગળવારે તે પોતાના પતિના ઘરે ગઈ હતી અને ત્યાં તેણે આત્મહત્યા કરી લીધી હતી. નાનજીભાઈને કોઈ અજાણ્યા વ્યક્તિએ જણાવ્યું હતું કે તેમની પુત્રીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી છે. તેને સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. કેસની તપાસ કર્યા બાદ ઘાટલોડીયા પોલીસે હિતેન્દ્ર, તેના પિતા, માતા અને બહેન સામે દુષ્પ્રેરણા, સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય અને ડ્રગ્સ આપીને બળજબરી સેક્સ કરવા જેવા ગુના અંતર્ગત કેસ દાખલ કર્યો છે.

(9:15 pm IST)