વડોદરાના ગોત્રી વિસ્તારમાં વેફર્સ લેવા નીકળેલ 16 વર્ષીય સગીરા ઘરે પરત ન ફરતા અપહરણની શંકાએ પોલીસ ફરિયાદ
વડોદરા:શહેરના ગોત્રી વિસ્તારમાં દુકાને વેફર્સ લેવા નીકળેલી 16 વર્ષીય સગીરા ઘરે પરત નહીં ફરતા અપહરણની શંકાએ માતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ણનના આધારે પોલીસે ગુમ સગીરાની શોધખોળ હાથ ધરી છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સંસ્કાર નગરમાં રહેતી મહિલાની 16 વર્ષીય દીકરી ધોરણ-11 સાયન્સમાં અભ્યાસ કરે છે. ગઇકાલે તેઓ પોતાની કાર લઇને પાર્સિંગ કરાવવા માટે દરજીપુરા આરટીઓ ખાતે ગયા હતા. તે દરમિયાન ઘરે રહેલી તેમની દીકરી વેફર્સ લેવા માટે નીકળી હતી પરંતુ ઘરે પરત ન ફરતા પરિવારજનોએ મોબાઇલ ફોન પર સંપર્ક સાંધતા તે સ્વિચ ઓફ આવ્યો હતો.
સગીરાએ કાળા કલરનું ટોપ તથા કાળા કલરની લેગિસ પહેરેલી હતી અને નંબરના ચશ્મા પહેરે છે. તેમની દીકરીનું કોઈએ અપહરણ કર્યું હોવાની શંકાએ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે.