ગુજરાત
News of Sunday, 13th June 2021

નર્મદાની મોરઝડી-સામોટ ગ્રામ પંચાયતને ગીનીઝ બુકમાં સ્થાન અપાવો: આમુ સંગઠન

ગ્રુપ ગ્રામ પંચાયતને લીધે ગામડાઓનો વિકાસ રૂંધાયો :સ્વતંત્ર ગ્રામ પંચાયતનો મુદ્દો રાજ્ય વ્યાપી બનાવાશે : માંગ નહિ સ્વીકારાય તો આંદોલન કરતા પણ ખચકાઈશું નહિ

નર્મદા જિલ્લામાં અલગ અલગ ગ્રુપ ગ્રામ પંચાયતને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો અપાવવા આમુ સંગઠને (આદીવાસી મૂળ નિવાસી સંગઠન) છેલ્લા ઘણા સમયથી લડત ઉપાડી છે.છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી આ લડત છતાં સરકારની આંખો ન ઉઘડતા આમુ સંગઠને (આદીવાસી મૂળ નિવાસી સંગઠન) હવે આ લડત રાજ્ય વ્યાપી બનાવવાનો નિર્ણય લીધો છે.આગામી ગ્રામ પંચાયતની ચૂંટણી પેહલા આમુ સંગઠન આ મુદ્દે ગામે ગામ જઈ લોકોને જાગૃત કરશે.

ગ્રુપ ગ્રામ પંચાયતને લીધે ગામડાઓનો વિકાસ રૂંધાઈ છે, જેથી એવી ગ્રામ પંચાયતોને જો બંધારણની જોગવાઈ મુજબ સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળે તો વિકાસને વેગ મળે એમ નર્મદા જિલ્લા આમુ સંગઠન (આદીવાસી મૂળ નિવાસી સંગઠન) પ્રમુખ મહેશ સરાધ વસાવાએ જણાવ્યું હતું જ્યારે 1949 માં બંધારણ બન્યું ત્યારે દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતની જોગવાઈ કરાઈ હતી, આજે 70 વર્ષ થયાં છતાં એનો અમલ થતો નથી.અમે અગાઉ પણ આ મુદ્દાઓ પર નર્મદા જિલ્લા વહિવટીતંત્ર, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને લેખિત રજૂઆતો કરી હતી.પણ ગુજરાત સરકારના ઓછું ભણેલા મંત્રીઓને અમારા મુદ્દાઓનો ખ્યાલ ન આવ્યો.અમે ફરી વાર નર્મદા જિલ્લા વહિવટીતંત્રને રજુઆત કરવાના છે જો અમારી માંગ નહિ સ્વીકારાય તો આંદોલન કરતા પણ ખચકાઈશું નહિ.

મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ગુજરાતના 18584 ગામડાઓ પૈકી 14017 ગામોને જ સરકારે સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપ્યો છે, બાકીના 4567 ગામોને એ દરજ્જો નથી આપ્યો.આ મોટે ભાગે આદીવાસી બહુમતી ધરાવતા ગામો છે એટલે ગુજરાત સરકારે આદીવાસી ગામો સાથે અન્યાય કર્યો છે.કોંગ્રેસે તો 14000 ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો આપ્યો પણ છે ભાજપે કઈ જ નથી કર્યું.અમે સ્વતંત્ર ગ્રામ પંચાયતનો મુદ્દો રાજ્ય વ્યાપી બનાવીશું, દરેક ગામોમાં જઈ અમે અમારું આમુ (આદીવાસી મૂળ નિવાસી સંગઠન) સંગઠન ઉભું કરીશું અને જાગૃતિ લાવવાનો પ્રયાસ કરીશું.નર્મદા જિલ્લાની 16 ગામોની મોરઝડી અને 10 ગામોની સામોટ ગ્રુપ ગ્રામ પંચાયત રાજ્યમાં સોથી મોટી ગૃપ ગ્રામ પંચાયત છે, જો આમાથી અમુક ગામોને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજ્જો મળે તો વિકાસને વેગ મળે સારો વહીવટ આપવો હોય તો વહિવટીની ફાળવણી કરવી જોઈએ, વહિવટી માળખાઓ ફાળવી દેવા જોઈએ.મારી તો એવી માંગ છે કે મોરઝડી અને સામોટ ગૃપ ગ્રામ પંચાયત માંથી અલગ ગ્રામ પંચાયત ન ફાળવવી હોય તો આ ગ્રુપ ગ્રામ પંચાયતને ગિનિઝ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળવું જોઈએ

2 થી વધુ બાળકો ધરાવતા લોકો સ્થાનિક સ્વરાજ ચૂંટણી ન લડી શકે એવો ચૂંટણી પંચનો નિયમ છે.ત્યારે એ નિયમ સાંસદ અને ધારાસભ્યની ચૂંટણી માટે પણ લાગુ કરવો જોઇએ એવી આમુ સંગઠન પ્રમુખ મહેશ વસાવાએ માંગ કરી છે.મહેશ વસાવાએ જણાવ્યું છે કે આદીવાસી સમાજમાં સિકલસેલ, એનિમિયાના રોગ ઉપરાંત કુપોષણને લીધે મૃત્યુ દર ખૂબ ઊંચું છે.2 બાળકો હોય અને એમાંથી કોઈ એક મૃત્યુ પામે તો વડીલના ઘડપણનો સહારો કોણ બને.ત્યારે 2 કરતા વધુ બાળકો ધરાવતા લોકો સ્થાનિક સ્વરાજ ચૂંટણી ન લડી શકે એવો કાયદો આદીવાસી વિસ્તાર માટે રદ કરો એવી અમારી માંગ છે.2 થી વધુ બાળકો ધરાવતા લોકો સ્થાનિક સ્વરાજ ચૂંટણી ન લડી શકે એવા નિયમથી ચૂંટણી પંચ અને સરકાર આદિવાસીઓમાં વસ્તી ઘટાડવાનું ષડયંત્ર રચી રહ્યા છે

(10:50 pm IST)