અમદાવાદમાં પોલીસ ચોકીમાં જ દારુની મહેફિલ !:ચાર પોલીસ કર્મચારી ઝડપાયા
સીજી રોડ પર આવેલી સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ કબાબ સાથે દારુ પીતા કેમેરામાં રંગેહાથ ઝડપાયા
અમદાવાદના સીજી રોડ પર આવેલી સરદાર પટેલ સ્ટેડિયમ ટ્રાફિક પોલીસ ચોકીમાં જ પોલીસ કર્મચારીઓ ખુલ્લેઆમ કબાબ સાથે દારુ પીતા એક ખાનગી ન્યૂઝ ચેનલના કેમેરામાં રંગેહાથ ઝડપાયા હતા. પોલીસ ચોકીમાં દારુની બોટલ ઝડપાઈ છે, તો નોનવેજ પણ જોવા મળ્યું છે. પોલીસ કર્મીઓ દ્વારા જ આ પ્રકારે પાર્ટી કરવી સમગ્ર પોલીસ વિભાગ માટે શરમજનક બાબત છે.
મળતી માહિતી અનુસાર, આ મહેફિલમાં પોલીસ કર્મચારી અને ટ્રાફિક વોર્ડન હતા. જેમાં દિનેશ પટ્ટણી, રાકેશ પટ્ટણી, સોનું પાલ અને એએસઆઇ કાંતિભાઈ સામેલ હતા. દારુ પાર્ટી કરતા હોવાના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થયા છે. ગાંધીના ગુજરાતમાં રક્ષકો જ દ્વારા દારુ પીવામાં આવી રહ્યો છે.
આ ઘટનાને લઇને પોલીસની ટીમ ઘટનાસ્થળે પોલીસ ચોકીમાં પહોંચી હતી અને પંચનામુ કરવામાં આવ્યું હતું. પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આરોપી કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. તમામ સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. કોણ દારુની બોટલ લાવ્યું અને ક્યાંથી લાવ્યા તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.