ગુજરાત
News of Tuesday, 13th July 2021

ડીપ્લોમાં ઇજનેરીમાં ૬૪ હજાર બેઠકો સામે ૧૯ હજાર છાત્રોનું રજીસ્ટ્રેશન થયું

નબળા રજીસ્ટ્રેશનને કારણે રજીસ્ટ્રેશનની મુદત ર૩ જુલાઇ સુધી લંબાવાઇ

રાજકોટ, તા. ૧૩ :  ડીપ્લોમાં એન્જીનીયરીંગમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રવેશ ઇચ્છુકોમાં ભારે અણગમો જોવા મળે છે. છેલ્લા રપ દિવસમાં ૬૪ હજાર બેઠકો સામે માત્ર ૧૯ હજાર છાત્રોએ પ્રવેશ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

ગુજરાત રાજયમાં ડીપ્લોમાં ઇજનેરીમાં પ્રવેશ માટે તા. ૧૭ મી જુનથી રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી હતી. ૧ર જુલાઇ સુધીમાં છાત્રોના નબળા રજીસ્ટ્રેશને કારણે હવે તા. ર૩ જુલાઇ સુધી રજીસ્ટ્રેશન પ્રક્રિયા લંબાવવી પડી છે. જયારે ડીપ્લોમાંથી ડીગ્રીમાં પ્રવેશની રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ લંબાવામાં આવી છે.

કોરોનાને કારણે ગુજરાત સરકારે ધો. ૧૦માં માસ પ્રમોશન આપ્યુ છે. વિદ્યાર્થીઓને માકર્શીટ મળે તે પહેલા જ ડીપ્લોમાં ઇજનેરી કોર્ષમાં પ્રવેશ માટે રજીસ્ટ્રેશન શરૂ થયું. માસ પ્રમોશનને કારણે ધો. ૧૦ ના તમામ છાત્રો પાસ થયા હોવાથી પ્રવેશ માટે ઘસારો થવાની શકયતાઓ વહેલુ રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રારંભથી જ ધીમુ રજીસ્ટ્રેશન થયું બાદ જાણકારો માનતા હતા કે માર્કશીટ આવ્યા બાદ રજીસ્ટ્રેશન વધારો થશે પરંતુ હજુ સુધી માત્ર ૧૯ હજાર પ્રવેશ વાંચ્છુકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

(1:17 pm IST)