ગુજરાત
News of Thursday, 13th August 2020

વસ્ત્રાપુરના સનરાઈઝ મોલના ગ્વાલિયા સ્વીટ માર્ટ સીલ કરાયું :બે કર્મચારી પોઝિટિવ આવતા AMCની કાર્યવાહી

ગ્વાલિયા સ્વીટને ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર:આ કર્મચારીઓ કેટલા ગ્રાહકોના સંપર્કમાં આવ્યા ? જાણવું મુશ્કેલ

અમદાવાદ: વસ્ત્રાપુરના સનરાઇઝ મોલમાં આવેલ ગ્વાલિયા સ્વીટ માર્ટ શોપને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બંધ કરી દેવામાં આવ્યુ છે. ગ્વાલિયા સ્વીટ માર્ટમાં કામ કરતા બે કર્મચારી કોરોના પોઝિટિવ આવતા AMCએ કાર્યવાહી કરી છે  હાલમાં ગ્વાલિયા સ્વીટને ક્વોરન્ટાઇન વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે.

રક્ષાબંધન તેમજ આઠમ જેવા તહેવારમાં મીઠાઈઓની દુકાનોમાં લોકોની ભારેભીડ જામતી હોય છે. ત્યારે આ દુકાનના કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ભયનો માહોલ ફેલાયો છે. કારણ કે આટલા દિવસમાં કેટલા લોકો આ કર્મચારીઓના સંપર્કમાં આવ્યા છે તે જાણવુ મુશ્કેલ છે. અને જો એમાંથી કોઈ એકને પણ ચેપ લાગે છે તો લોકલ સંક્રમણનું જોખમ વધી જાય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં અનલોક-3ની શરૂઆત થઈ ગઈ છે. તેના પગલે શહેરના મોટાભાગના મોલ તથા શોપિંગ કોમ્પ્લેક્ષ ધમધમતા થયા છે. અનલોક-3ની સાથે-સાથે દુકાનદારોને તંત્ર દ્વારા કેટલીક સાવચેતી રાખવાનું જણાવાયું છે. પણ લોકો તથા દુકાનદારો નિયમોનું ખુલ્લેઆમ ભંગ કરતા દેખાય છે. જેના પગલે તંત્ર એક્શનમાં આવ્યુ છે અને જે દુકાન કે મોલમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોય તે મોલ કે દુકાનને સીલ કરી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વસ્ત્રાપુર ખાતે આવેલા અલફા વન તથા સેન્ટ્રલ મોલને સીલ કરવામાં આવ્યું હતુ.

 અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીમાં ગુજરાતની સ્થિતિ ખુબ જ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. આજે રાજ્યમાં કોરાનાનાં 1152 કેસ નોંધાયા છે. રોજેરોજ ઊંચે જતા કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1152 પોઝિટિવ રિપોર્ટ ઉમેરતા ગુજરાતમાં કોવિડ-19ના કૂલ કેસોની સંખ્યા વધીને 74,390એ પહોંચી છે. જ્યારે રાજ્ય વધુ 18 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 2715એ પહોંચ્યો છે

(7:04 pm IST)