ગુજરાત
News of Thursday, 14th January 2021

ગાંધીનગર નજીક કોલવડામાં પતિએ શારીરિક-માનસિક ત્રાસ ગુજારી પત્નીને ફિનાઈલ પીવડાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી

ગાંધીનગર: શહેર નજીક આવેલા કોલવડામાં પરિણીતા સાથે પતિ અન સસરા દ્વારા અવારનવાર મારઝુડ કરીને શારીરિક-માનસિક ત્રાસ આપવામાં આવતો હતો ત્યારે ગઈકાલે પતિએ પત્નીને બળજબરીથી ફીનાઈલ પીવડાવીને જાનથી મારી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. જે સંદર્ભે પરિણીતાએ પેથાપુર પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે પતિ અને સસરા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પિયજ ગામે રહેતાં આશાબેનના લગ્ન સાત વર્ષ અગાઉ કોલવડા ગામે રહેતાં ગોવિંદજી કાંતિજી ઠાકોર સાથે થયા હતા. લગ્ન પહેલા પરીણીતા આશાબેનના સાસુ ગુજરી ગયા હતા અને સસરા અને પતિ સાથે તેઓ રહેતાં હતા. શરૃઆતમાં તેમનું જીવન સુખેથી ચાલતું હતું પરંતુ લગ્નના થોડા વર્ષો બાદ પતિ અને સસરા દ્વારા નાની નાની વાતમાં ઘરકામ બાબતે બોલાચાલી કરીને ઝગડો કરવામાં આવતો હતો. જેથી ત્રણ-ચાર વખત તેઓ તેમના ભાઈના ઘરે બોરીજ રીસામણે પણ ગયા હતા. પરંતુ તેમનો સંસાર અને દીકરાની જીંદગી બગડે નહીં તે માટે સમાધાન કરીને સાસરે મોકલી દેવામાં આવતાં હતા. ગત રવિવારે પતિ ગોવિંદજીએ આશાબેન સાથે મારઝુડ કરી હતી અને બુટથી માર માર્યો હતો. બીજા દિવસે પણ બોલાચાલી કરી ત્યારે ગઈકાલે સવારે સાડા સાત વાગ્યે આશાબેન ડેરીમાં દુધ ભરાવીને ઘરે પહોંચ્યા ત્યારે તેમના સસરા કાંતિજીએ કહયું હતું કે તારે બોરીજ જવું છે એટલે ઘરકામ બરાબર કરતી નથી અને ઘરમાં ઝગડા કરે છે તેમ કહી બોલવા લાગ્યા હતા. ત્યારબાદ તેમના પતિ ગોવિંદજીએ હાથમાં પ્રવાહી ભરેલ બોટલ લઈ આવી આશાબેનને પકડીને મોઢામાં પીવડાવી દીધી હતી. ત્યારબાદ બોલાચાલી કરી હતી. પ્રવાહી ફીનાઈલ જેવું હોવાથી તે અશક્ત થઈ ગયા હતા અને પતિ અને સસરા તેમને દવાખાને લઈ જવા માટે તૈયાર નહોતા. ઘટનાની જાણ બોરીજ ખાતે રહેતા તેમના ભાઈ અને પરિવારજનોને થતાં તેઓ કોલવડા પહોંચ્યા હતા અને આશાબેનને સારવાર માટે ગાંધીનગર સિવિલ લઈ ગયા હતા. જયાં પોલીસે હત્યાના પ્રયાસ અને શારીરિક-માનસિક ત્રાસ સંદર્ભે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૃ કરી છે.

(4:29 pm IST)