વડોદરાના પાદરા તાલુકામાં ઓનલાઇન અભ્યાસ કરવા ફોન ન મળતા ધો 11ની વિદ્યાર્થિનીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું
વડોદરા:પાદરા તાલુકામાં ધોરણ-૧૧માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ઓનલાઇન અભ્યાસ કરવા માટે સ્માર્ટ ફોન નહી મળતા ઝેરી દવા પી લીધા બાદ આજે સાતમા દિવસે હોસ્પિટલના બિછાને વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે લખડીકુઇ ગોવિંદપુરા ખાતે રહેતી પારૃલ કનુભાઇ પઢીયાર ધોરણ-૧૧ કોમર્સમાં અભ્યાસ કરતી હતી. તેના માતા-પિતા આઠ વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હોવાથી દાદી અને ભાઇ સાથે રહેતી હતી. તેનો ભાઇ છુટક મજૂરી કરી કુટુંબનું ગુજરાન ચલાવે છે. બંને ભાઇ-બહેન પોતાના ઘરની સામેના ઘરમાં ટીવી નિહાળવા જતા હતાં. તા.૫ના રોજ રાત્રે બંને ભાઇ-બહેન ટીવી નિહાળી પોતાના ઘેર પરત ફર્યા હતાં.
દરમિયાન મોડી રાત્રે વિદ્યાર્થિનીએ ઘરના ઓટલા પર જ ઝેરી દવા ગટગટાવી લેતા તેનો ભાઇ તેમજ પાડોશીઓ ગોત્રી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં જ્યાં આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે વિદ્યાર્થિની પાસે અભ્યાસ માટે સ્માર્ટ ફોન નહી હોવાથી તે વ્યથિત રહેતી હતી અને તેના કારણે મનમાં લાગી આવતા ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.