ગુજરાત
News of Wednesday, 14th April 2021

રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ પરત લાવવા સાંસદ મનસુખ વસાવાએ ના.મુખ્ય મંત્રીને લખ્યો પત્ર

સાંસદ મનસુખભાઇ વસાવાએ નર્મદા જિલ્લામાં ડોક્ટરો અને નર્સોને વડોદરા ડેપ્યુટસન પરથી કોવિડ હોસ્પિટલ રાજપીપળા પરત લાવવા તથા વેન્ટિલેટરો પરત મંગાવવા નિતીનભાઈ પટેલને પત્ર લખ્યો: રાજપીપળા કોવિડ હોસ્પિટલ માં ફિઝિશિયનોની નિમણૂક કરવામાં આવે તેવી પણ રજુઆત કરી

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા  : સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાના કોરોનાના કેસો વધતા ડોક્ટરો તથા નર્સો ને વડોદરાથી કોવિડ હોસ્પિટલ રાજપીપળા પરત લાવવા તથા વેન્ટિલેટરો પરત મંગાવવા માટે નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલને પત્ર લખ્યો છે.જેમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લામાં કોરાના વોરિયર્સ ડૉક્ટર , નર્સ અને અન્ય સ્ટાફ કોવિડ-૧૯ ની કામગીરી ખુબ જ સારી રીતે કરી રહયા છે . તે ખુબ જ પ્રસંશનીય કાર્ય છે , પરંતુ જે પ્રકારે કોરાનાના કેસો વધી રહયા છે , તે જોતા નર્મદા જિલ્લામાં પહેલેથી જ રાજપીપલા સિવિલ હોસ્પિટલ સહીત અનેક હોસ્પિટલોમાં ડૉક્ટર , નર્સ અને અન્ય સ્ટાફોની અછત હોવાના કારણે તથા નર્મદા માં  ૪ થી પ ડોક્ટરો અને ૪૫ નર્સોને વડોદરા ખાતેની કોવિડ-૧૯ ની હોસ્પિટલમાં કામગીરી માટે ત્યાં ડેપ્યુટસન માં ખસેડવામાં આવ્યા છે , જેના કારણે નર્મદા જિલ્લાના લોકોને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે . તેમજ નર્મદા જિલ્લામાં ડૉક્ટર , નર્સ અને અન્ય સ્ટાફની અછત હોવાના કારણે ખુબ જ મોટી તક્લીફ ઉભી થઈ છે.જેમાં ખાસ કરીને નર્મદા જિલ્લામાં ફિઝિશિયન ડૉક્ટરો ન હોવાના કારણે કોવિડ-૧૯ ના દર્દીઓને વેન્ટિલેટર અને રેમડેસીવીર ઈજેકશનની સારવાર આપી શકતા નથી , જેના કારણે રાજપીપલા કોવિડ-૧૯ ની હોસ્પિટલમાં દર્દીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે,માટે તાત્કાલિક ધોરણે રાજપીપળા કોવીડ હોસ્પિટલ માં ફિઝિશિયન ડોક્ટરોની નિમણુંક કરવામાં આવે અને વડોદરા ખાતે કોવિડ-૧૯ હોસ્પિટલમાં નર્મદા તથા ભરૂચ જિલ્લામાંથી જે કોવિડ-૧૯ ની સારવાર કરતો સ્ટાફ મોકલ્યો છે તથા વેન્ટિલેટર લઈ ગયા છે , તે ફરી ભરૂચ તથા નર્મદા જિલ્લામાં પરત કરવામાં આવે તેવી મારી ભલામણ કરી છે.

(12:54 am IST)