ગુજરાત
News of Wednesday, 14th April 2021

નર્મદા જિલ્લા સહિત દેશમાં કોરોના કાબુમાં હતો પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ બાદ તોફાની બન્યો

તંત્ર સ્વૈચ્છિક બંધ માટે અનુરોધ કરે તેમાં નાના વેપારીઓ વગર કોરોનાએ મરી રહ્યા છે. રોજનું કમાઈને ખાનારા પેટની આગ કઈ રીતે ઠારશે એ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે.કોરોનાની પ્રથમ લહેર પછી આરોગ્ય માટે સગવડો વધારવાની જરૂર હતી તેમાં સરકારની નિષ્ફળતાને લીધે સારવારના અભાવે મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘણી મોટી છે.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા સહિત દેશમાં કોરોના કાબુમાં હતો પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ બાદ તોફાની બન્યો ત્યારે એ માટે જાવબદારો હવે વેપારીઓ પાસે સ્વૈચ્છિક બંધ કરાવવા અનુરોધ કરે એ કેટલો યોગ્ય ગણાય..? કોરોનાની તાજેતરની લહેર ખૂબ ઘાતક છે, જેમાં ગત વર્ષની સરખામણીએ મૃત્યુદર ઘણો ઊંચો છે. નર્મદા જિલ્લા સહિત સમગ્ર દેશમાં કોરોના કાબુમાં હતો પરંતુ સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણીઓ બાદ તોફાની બન્યો. ચૂંટણી પ્રચાર દરમિયાન યોજાયેલી રેલીઓમાં કોવિડ ગાઈડલાઈનનો સતત સરેઆમ ભંગ થતો દેખાયો હતો. રેલીમાં હાજર રહેનારા પણ જાણે ભૂલી ગયેલા કે કોરોના હજી ગયો નથી. સત્તાલાલચુઓએ આમ જનતાને મોતના મુખમાં ધકેલવા માટે જાણે કોરોના પાસેથી સોપારી લીઘી હોય એવું કેટલાક સમજદાર નાગરિકોમાં ચર્ચા થતી જોવા મળી. આ વાતમાં અતિશયોક્તિ હશે પણ તથ્ય પણ છે જ.
પોતાને આરોગ્યલક્ષી તકલીફ થાય તો વી.આઈ.પી. ટ્રીટમેન્ટ લેનારાઓએ કરેલી ગંભીર ભૂલોના ભયાનક પરિણામો સમાજ ભોગવી રહ્યો છે. સતત વધતા કોરોના કેસોને કારણે સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં બેડની ભયંકર અછત, ઓક્સિજનની કમી, વેન્ટીલેટરની કમી, જરૂરી દવા-ઇન્જેક્શનના અભાવે મૃત્યુદર ઊંચો આવતા હવે સ્મશાનમાં પણ વેઇટિંગ ચાલી રહ્યું છે.
આ ગંભીર પરિસ્થિતિમાં જવાબદાર રાજકારણીઓ સામે જે તે સમયે નિયમોના ભંગ બદલ શા માટે પગલાં ન લેવાયા? માસ્ક ન પહેરનાર સામાન્ય નાગરિક પાસે કરોડોનો દંડ વસુલાયો પણ ચૂંટણી પ્રચાર દરમ્યાન માસ્ક અને સોશ્યલ ડિસ્ટનસના ધજાગરા ઉડતા હતા ત્યારે શું સત્તાવાળાઓએ આંખે પાટા બાંધી દીધા હતા? હવે તંત્ર સ્વૈચ્છિક બંધ માટે અનુરોધ કરે તેમાં નાના વેપારીઓ વગર કોરોના એ મરી રહ્યા છે. રોજનું કમાઈને ખાનારા પેટની આગ કઈ રીતે ઠારશે એ પ્રશ્ન બહુ મહત્ત્વનો છે. કોરોનાની પ્રથમ લહેર પછી આરોગ્ય માટે સગવડો વધારવાની જરૂર હતી તેમાં સરકારની નિષ્ફળતાને લીધે સારવારના અભાવે મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘણી મોટી છે. બુથ મેનેજનેન્ટ કરનારા ક્યાં ગયા? જે પેજ પ્રમુખો ચૂંટણી જીતવા મેદાને હતા તે આ મહામારીમાં પ્રજા વચ્ચે દેખાતા નથી. માત્ર સત્તા મેળવવા પૂરતું લોકટોળાં ભેગા કરનારાઓને પાપે આમ જનતા જે હાલાકી ભોગવી રહી છે તેને પ્રજા માફ નહીં જ કરે. લોકો વચ્ચે જઈ તેમની તકલીફો જાણી તેમને મદદરૂપ થવાની ફરજ લોક પ્રતિનિધિઓ અત્યારે નહીં બજાવે તો ક્યારે બજાવશે? પોતાની નિષ્ફળતા છૂપાવવા સ્વૈચ્છિક લોકડાઉન માટે આગ્રહ રાખનારાઓએ પાણી વહી જાય તે પહેલાં પાળ બાંધી હોત તો આજની ભયાવહ સ્થિતિનું નિર્માણ ન થાત. ઈશ્વરે સૌને સદબુદ્ધિ આપે.

(1:04 am IST)