ગુજરાત
News of Friday, 14th May 2021

દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં ડિપ્રેશન બન્યુ : વધુ મજબૂત બની આવતીકાલ સુધીમાં સાયકલોનીક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે

મુખ્યત્વે ઉત્તર દિશામાં ગતિ, આ સિસ્ટમ્સ ૧૭મી સુધીમાં મુંબઈથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રથી દક્ષિણે પહોંચશે : ૧૬મીથી આ સિસ્ટમ્સની અસર સૌરાષ્ટ્ર - ગુજરાતમાં દેખાવા લાગશે, તા. ૧૭-૧૮ના વધુ અસર જોવા મળશે : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૧૪ : વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્ર ઉપર લક્ષદ્વીપ આસપાસના વિસ્તારમાં એક લો પ્રેશર હતું, જે વેલમાર્ક લો પ્રેશરમાં પરિવર્તિત થઈ આજે મજબૂત બની ડિપ્રેશનમાં પરિવર્તિત થયુ છે. આવતા ૧૨ કલાકમાં હજુ મજબૂત બની ડિપડિપ્રેશન બન્યા બાદ સાયકલોનીક સ્ટ્રોમમાં પરિવર્તિત થશે. જેનું લોકેશન ૧૧ નોર્થ, ૭૨ ઈસ્ટ હાલમાં પવનની ઝડપ ૪૫ થી ૫૫ કિ.મી., ઝાટકાના પવન ૬૫ કિ.મી. છે. આવતીકાલ સુધીમાં પવન ૭૦ થી ૮૦ કિ.મી.ની ઝડપના થઈ જશે.

હાલના અનુમાન મુજબ આ સિસ્ટમ્સ મુખ્યત્વે ઉત્તર બાજુ ગતિ કરશે. દેશના દરિયાકિનારાની સમાંતર ચાલશે. તા.૧૭ મેના સવાર સુધીમાં આ સિસ્ટમ્સ મુંબઈથી પશ્ચિમે અને સૌરાષ્ટ્રથી દક્ષિણે હશે. તે દરમિયાન વધુ મજબૂત બની હેવી સિવીયર સાયકલોનીક સ્ટ્રોમ બની જશે. તે સમયે અંદાજે ૧૫૦ થી ૧૬૦ કિ.મી.ના અને ઝાટકાના પવન ૧૭૫ કિ.મી.ની ઝડપે ફૂંકાશે.

અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે આ સિસ્ટમ્સ ઉત્તર તરફ જઈ રહી હોય સૌરાષ્ટ્ર - કચ્છ અને સિંધ તરફ આવતી હોય હવામાન ખાતાની સુચના મુજબ વર્તવુ અને સાવચેત રહેવું. આ સિસ્ટમ્સની અસર ૧૬મીથી સૌરાષ્ટ્ર - ગુજરાતમાં દેખાવા લાગશે. તા.૧૭-૧૮ના વધુ અસર જોવા મળશે. સિસ્ટમ્સ આધારીત આનુસાંગિક વાદળો કયારેક કયારેક ગુજરાત ઉપરથી પસાર થાય ત્યારે અમુક ભાગોમાં ધૂપ - છાંવ જેવો માહોલ જોવા મળશે. હાલના અનુમાન મુજબ સિસ્ટમ્સ સૌરાષ્ટ્ર તરફ આવી રહી છે.

(2:43 pm IST)