ગુજરાત
News of Friday, 14th May 2021

જો સાચુ હોય તો ખૂબ મોટી સેવા ગણાશે

મ્યુકોરમાઈકોસીસ માટેના ઈન્જેકશન્સનું વિતરણ અમદાવાદ ખાતે સરકારે સંભાળી લીધું ?

AMPHOTERICIN ઈન્જેકશન્સની ભયંકર શોર્ટેજને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા : પારદર્શક સિસ્ટમ ગોઠવવામાં આવે તો દર્દીઓ પણ નિયમિત ડોઝથી વંચિત ન રહેઃ સંગ્રાહખોરી અને કાળાબજારની શકયતા ઘટી જાય

રાજકોટ, તા. ૧૪ :. કાળમુખા કોરોનાએ તો હાહાકાર મચાવ્યો જ છે પરંતુ તેની સાથે સાથે ખાસ કરીને કોરોના થઈ ગયા પછી નાક અને સાયનસની ઝેરી ફુગ (ફંગસ)ને કારણે થતા મ્યુકોરમાઈકોસીસ નામના રોગે પણ લોકોમાં ભયંકર ચિંતા બેસાડી દીધી છે. ખાસ કરીને મ્યુકોરમાઈકોસીસની સારવારમાં વપરાતા AMPHOTERICIN સાદા કે 'બી' વાળા ઈન્જેકશન્સની દવાબજારમાં છેલ્લા થોડા સમયથી અસામાન્ય અછત થઈ ગઈ છે. લોકો પોતાના સગા-વ્હાલાઓ અને દર્દીઓને બચાવવા માટે ઈન્જેકશન્સ મેળવવા સતત આમ-તેમ ભટકી રહ્યા છે, પરંતુ મોટાભાગે તેઓને નિરાશા મળી રહી હોવાનું જોવાઈ રહ્યુ છે. ઈન્જેકશન્સ બનાવતી ત્રણથી ચાર કંપનીઓમાં પ્રોડકશન વધારવુ ખૂબ જરૂરી છે અથવા તો ભારતના જે રાજ્યોમાં મ્યુકોરમાઈકોસીસના કેસ નથી ત્યાંથી કે પછી વિદેશથી એમ્ફોટેરીસીન ઈન્જેકશન્સની વ્યવસ્થા કરવી ખૂબ જરૂરી અને ગંભીર બની ગયુ છે. ઈન્જેકશન્સની શોર્ટેજને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

આજરોજ બિનસત્તાવાર રીતે જાણવા મળે છે કે અમદાવાદ ખાતે મ્યુકોરમાઈકોસીસ માટેના ઈન્જેકશન્સનું વિતરણ સરકારના કલેકટર તંત્ર દ્વારા સંભાળી લેવામાં આવ્યુ છે કારણ કે આજે અંદાજે બપોરના ૧૨ વાગ્યા સુધી અમદાવાદ ખાતેના દવાના મુખ્ય ગણાતા હોલસેલર્સને ત્યાં કંપનીમાંથી AMPHOTERICIN ઇન્જેકશન્સનો જથ્થો ફાળવવામાં ન આવ્યો હોવાની ચર્ચા છે.

દવા બજારના અમુક અગ્રણીઓ તો એમ પણ કહે છે કે 'રેમડેસિવીર' ઇન્જેકશન્સની માફક 'એમ્ફોટેરીસીન' ઇન્જેકશન્સ માટે પણ સરકારી તંત્ર દ્વારા સેન્ટ્રલાઇઝડ અને પારદર્શક વ્યવસ્થા ગોઠવવામાં આવે તો તે હાલના સમયમાં સૌથી મોટી સેવા ગણાશે. કારણ કે આ સિસ્ટમને કારણે કોઇપણ દર્દી ઇન્જેકશનના નિયીમત ડોઝથી વંચિત નહીં રહે અને તેના જીવ ઉપર જોખમ ઉભુ નહીં થાય.

આવી મહામારીના સમયમાં દવા બજારમાં ઇન્જેકશન્સ બનાવની કંપનીના સી એન્ડ એફ, ડીસ્ટ્રીબ્યુટર્સ-હોલસેલર્સ કે રીટેલર્સ હસ્તક વિતરણ વ્યવસ્થા હોવાથી ઘણા કિસ્સામાં ખુદ કંપનીઓ દ્વારા કે કંપનીના એમ.આર. મેનજેર દ્વારા વ્હાલા દવલાની નીતિ અખત્યાર કરવામાં આવતી હોવાની ચર્ચા છે.

એક જ કંપનીના એક જ સીટીના દવાના બે હોલસેલર્સને પણ ઇન્જેકશનનો અલગ-અલગ (ઓછા વતા) જથ્થો ફાળવવામાં આવતો હોવાની કર્ણોપકર્ણ ચર્ચા સંભળાઇ રહી છે. આ ઉપરાંત પણ લોકોની મજબુરીનો લાભ લઇ કાળાબજારની શકયતા પણ નકારી ન શકાય.

રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગની જવાબદારી ખરી કે નહીં ?

કદાચ છેલ્લા સો વર્ષોમાં સરકાર તથા લોકોએ આવી કોરોના જેવી ભયંકર મહામારી પ્રથમ વખત જોઈ છે ત્યારે જરૂરીયાતમંદ દર્દીઓને સમયસર દવા ન મળે અને જીવનું જોખમ ઉભુ થવાની શકયતા રહે તે તો કોઈ કાળે ન જ બને તેવા સતત પ્રયત્ન સરકાર દ્વારા થઈ રહ્યા છે.

પરંતુ જે તે જીલ્લામાં એલોપેથિક દવાઓના પ્રોડકશનમાં તથા વિતરણમાં નિયમનકારી તંત્ર 'ખોરાક અને ઔષધ નિયમન તંત્ર'નો રોલ અને જવાબદારી પણ ખૂબ વધી જાય છે. લોકોને પૂરતા પ્રમાણમાં દવાઓ મળી રહે છે કે નહીં ? સંગ્રહાખોરી કે કાળાબજાર થાય છે કે નહીં ? થાય છે તો કોણ કરે છે ? જરૂરીયાતમંદ દર્દીઓ દવા મેળવવામાં હેરાન તો નથી થતાને ? વિગેરે બાબતે યોગ્ય અને સખત પગલા લઈ ઉપર લેવલે સરકારને તથા સામાન્ય લોકોને પણ ચિંતા ઓછી થાય તેવા સંનિષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ તેવી ચર્ચા બુદ્ધિજીવીઓમાં થઈ રહી છે. આવા સમયે રાજ્યના ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટના જીલ્લા કક્ષાના અધિકારીઓએ પોતાના કહેવાતા 'અંગત સ્વાર્થ અને સંશોધન'ને બાજુ પર મુકીને કાયદાની મર્યાદામાં રહીને થઈ શકે તેટલી ખરા અર્થમાં લોકોની સેવા કરવી જોઈએ તેવુ દવાબજારમાંથી સાંભળવા મળે છે.

જો કે રાજકોટ ખાતેના રાજ્યના ફુડ એન્ડ ડ્રગ વિભાગના તમામ અધિકારીઓ પોતાની ફરજ મુજબ તમામ જીવન રક્ષક એલોપેથિક દવાઓનુ તટસ્થ અને પારદર્શક રીતે મેનેજમેન્ટ કરતા હોવાનું અધિકારીગણના સૂત્રો જણાવી રહ્યા છે.

(3:44 pm IST)