ગુજરાત
News of Friday, 14th May 2021

સ્પેનિશ મહિલાએ સિમ્સ હોસ્પિટલમાં ૧૦ દિવસમાં કોરોનાને મ્હાત કર્યો

૬૨ વર્ષના મહિલા સાજા થઇ સ્પેન પહોંચી ગયા

  (કેતનખત્રી)અમદાવાદઃ મૂળ સ્પેનની વતની મારીયા બિઝનેસના હેતુથી મોરબીના પ્રવાસે આવી હતી. એપ્રિલના છેલ્લા સપ્તાહમાં આ મહિલાને ભારે તાવ તથા ચાર-પાંચ દિવસથી કફ રહેતો હોવાને કારણે  ટાઈલ્સ ઉત્પાદનના મથક ગણાતા મોરબીની એક સ્થાનિક હૉસ્પિટલમાં  દાખલ કરવામાં આવી હતી. થોરેકસ સ્કેનમાં જાણવા મળ્યું કે તે  કોવિડ પોઝિટિવ છે. મોરબીમાં ડોકટરોએ તેને રેમડિસિવિર અને સ્ટિરોઈડઝ આપી હતી. આમ છતાં પણ તેની હાલત કથળતી  હતી અને તે સીટોકાઈન સ્ટોર્મનો ભોગ બની હતી. આ હાલતમાં તેને  ગત તા.૨૯ એપ્રિલના રોજ સિમ્સ હૉસ્પિટલ, અમદાવાદમાં લાવવામાં આવી હતી. તેમ આ મારીયાની સારવાર કરનાર  ટીમનુ નેતૃત્વ સંભાળનાર પલ્મો નોલોજીસ્ટ ડો.અમિત પટેલ,જણાવે છે. આ દર્દીની સારવાર કરનાર ડોકટરોની ટીમમાં  ક્રિટિકલ કેર ઈન્ટેનસિવિસ્ટ ડો. ભાગ્યેશ શાહ,  ડો. મિનેષ પટેલ અને રુમેટોલોજીસ્ટ  ડો.ભૌમિક મેઘનાથીનો  સમાવેશ થતો હતો.

ડો. પટેલ વધુમાં જણાવે છે કે  ઓકિસજન લેવલ ૮૫ ટકા જેટલુ નીચુ જતાં મારીયાની હાલત ગંભીર બની હતી અને તેમને ૧૦૦ ટકા BIPOP ની જરૂર ઉભી થઈ હતી. સાયટોસ્કાઈન સ્ટોર્મને કારણે તેમને ઈન્જેકશન્સ આપવાની જરૂર પણ ઉભી થઈ હતી.દર્દીની હાલત  ક્રમશઃ  સુધરતી ગઈ હતી અને તે સાજાં થઈ ગયાં હતાં.  અને તેમની ઓકિસજન સપોર્ટની જરૂરિયાત રહી ન હતી.  તે જ્યાં નોકરી કરતાં હતાં ત્યાંના  માલિકે  અમને જણાવ્યું હતું કે તે ચાર્ટર્ડ ફલાઈટમાં સ્પેન પહોંચી ગયાં છે.

એક સંદેશામાં દર્દીએ ઉત્તમ  અને ઈન્ટેન્સિવ સારવાર પૂરી પાડવા બદલ  સિમ્સ હૉસ્પિટલના ડોકટરોનો આભાર વ્યકત કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે  હું કોવિડ-૧૯ની બીમારીને કારણે ખૂબ બીમાર થઈ ગઈ હતી.  મને સારી સારવાર આપવા બદલ અને સાજા થવામાં સહાય કરવા બદલ તેમણે સિમ્સ હૉસ્પિટલ્સના ડોકટરોનો આભાર વ્યકત કર્યો હતો.

(3:47 pm IST)