ગુજરાત
News of Friday, 14th May 2021

પાલનપુર સિવીલ હોસ્પીટલના સંકુલમાં ૧૦૮ એમ્બ્યુલન્સમાં કોરોના દર્દીનું મોતઃ પરિવારજનોનું હૈયાફાટ રૂદનઃ હોસ્પીટલ તંત્ર સામે આક્ષેપો

બનાસકાંઠા : જિલ્લાના મુખ્ય મથક પાલનપુર સિવિલ હોસ્પિટલનાં સંકુલમાં આજે 108 માં લવાયેલા કોવિડનાં એક દર્દીનું એમ્બ્યુલન્સમાં જ મોત નિપજતા ભારે હોબાળો મચ્યો હતો. યોગ્ય સમયે સારવાર નહી અપાઇ હોવાનો હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવાઇ રહ્યો છે. પરિવારજનોના હૈયાફાટ રૂદનના કારણે સમગ્ર વાતાવરણ ભારે ગમગીન બન્યું હતું. 

બીજી તરફ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી દ્વારા પણ ટ્વીટ કરીને આ મુદ્દે અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા છે. મેવાણીએ કહ્યું કે, 15મી તારીખે પાલનપુર આવી રહેલા મુખ્યમંત્રીએ આ મુદ્દે જવાબ આપવો પડશે. સિવિલની બહાર 108 એમ્બ્યુલન્સમાં જ કોવિડ દર્દીનું મોત થતા તેના પુત્ર દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. 

હોસ્પિટલ સિક્યુરિટી દ્વારા અડધો કલાક સુધી તેમને બહાર ઉભા રાખીને અંદર નહી જવા દેવાતા મોત નિપજ્યું હોવાનો પરિવારજનોનો દાવો છે. યોગ્ય સમયે સારવાર નહી મળવાનાં કારણે મોત નિપજ્યાનો આક્ષેપ કરીને પરિવારજનો દ્વારા હોસ્પિટલ બહાર જ ભારે હોબાળો કરવામાં આવ્યો હતો. 

(5:22 pm IST)